આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આત્મઘાતક હુમલાનો ભોગ બનેલા સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થતાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ધોળકા નગરપાલિકા દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોળકા શહેરના નગરજનોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે ભારતમાતાના આ વીર સપૂતોની શહીદીને આપણા વીર જવાનો અને લશ્કર વ્યર્થ નહીં જવા દે.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધોળકા વકીલ મંડળના સભ્યો વેપારી એસોસીએશન, જીઆઇડીસીના સભ્યો, દરેક ધર્મ, સંપ્રદાયના ધર્મગુરુઓ તેમજ ધોળકા નગરપાલિકાના કાઉન્સિલરો, ડેપ્યુટી કલેકટર્સ, મામલતદાર ટીડીઓ સહિત શહેરના વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપસ્થિત નગરજનોએ જવાનોના વેલ્ફેર ફંડ માટેના આયોજનની પણ જાહેરાત કરી હતી.
આ ઘટના ઘટી તે પહેલા અગાઉથી ધોળકા શહેરના અંદાજે રૂપિયા પાંચ કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કે લોકાર્પણનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હતું પરંતુ, પુલવામામાં બનેલી આ હિચકારી દુર્ઘટનાના પગલે વિકાસકામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખી ધોળકા નગરપાલિકા દ્વારા પુલવામાના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.