પાટનગરના સંસ્કૃતિકુંજમાં ૧૮મીથી દસ દિવસ વસંતોત્સવ

877

રાજ્યના યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા દર વર્ષે કુદરતી સાનિધ્ય સંસ્કૃત્તિ કુંજમાં પાટનગરમાં યોજાતા વસંતોત્સવમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો તેમના રાજ્યોના નૃત્યો રજુ કરે છે. તેમજ રાજ્યની વિવિધ હસ્તકલાઓ અને ક્રાફ્‌ટસનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે સ્ટોલ લગાડાય છે.

આ વર્ષે વસંતોત્સવ ૧૨ને બદલે ૧૦ દિવસ ૧૮થી ૨૭મી ફેબ્રુઆરી સુધી બપોરે ૨થી ૧૦ વાગ્યા સુધી યોજાનાર છે. શહેરની ભાગોળે જ માર્ગ પર નદીની ખીણ, કોતરોમાં જ વિકસાવાયેલા સંસ્કૃત્તિ કુંજમાં આ ઉત્સવને માણવા માટે શહેર ઉપરાંત આસપાસના વિસ્તાર-માંથી કલા રસિકો ઉમટી પડે છે.

પાટનગરમાં વસંતોત્સવ ૧૯૯૬થી યોજાય છે. રાજસ્થાનના કાલબેલીયા નૃત્ય અને ભપંગ વાદન, ગોવાના દેખણી અને કલ્શી, કુગડી, ઉત્તરપ્રદેશના ડેડિયા, આસામના બિહુ, મણિપુરના લાઇ હારોબા, મિઝોરમના મુગંતિયા અને પુંગ ઢોલ ચોલમ, સિક્કીમના ચાંડી અને તગંગસેલો, ઓરિસ્સાના ગોટીપુઆ, પશ્ચિમ બંગાળના પુરુલિયા છાઉ, કેરલના કલરિપ્પયટ્ટુ, મહારાષ્ટ્રના ધનગીરી ગજા અને પંજાબના ભાંગડા નૃત્યની રજુઆત જે તે રાજ્યના કલાકારો રજુ કરશે

ગુજરાતના ગરબા અને રાસ ઉપરાંત આદિજાતી કલાકારોના વિવિધ નૃત્યોમાં દાહોદનું તલવાર, ડાંગનું આદિવાસી, વલસાડનું ઢોલ, વડોદરાનું મોરપીંછ, શિનોરનું મેવાસી, ક્વાંટનું ત્રિરંગા અને જુનાગઢ તથા ભરૂચનું સિદ્દિ ધમાલ નૃત્ય ગુજરાતી કલાકારો રજૂ કરશે.

પાટનગરમાં સંસ્કૃત્તિક કુંજમાં પ્રકૃત્તિના ખોળે ઋતુરાજ વસંતના મંગલ આગમનના વધામણા કરતો વિખ્યાત અને પારંપારિક વસંતોત્સવ આગામી ૧૮થી ૨૭ ફેબ્રુઆરી સુધી યોજાશે.

Previous articleપુલવામાના વીર શહીદોને ધોળકાના નગરજનો દ્વારા શ્રદ્ધાંજલિ
Next articleપાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો નહી તો ગાદી છોડોઃ તોગડિયા