ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૮મી ફેબ્રુઆરીથી શરૂ થશે. વિધાનસભા બજેટ સત્ર પહેલા સત્તા પક્ષ અને વિપક્ષની બેઠકો શરૂ થઈ છે. આજે ગાંધીનગરમાં ભાજપ-કોંગ્રેસની અલગ અલગ બેઠક યોજાશે. બજેટ સત્રમાં સરકારને ઘેરવા માટે વિપક્ષના સભ્યો આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક કરશે.
કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો બજેટ સત્ર મુદ્દે ચર્ચા કરશે. આ બેઠકમાં ખેડૂતો, યુવાનો અને કર્મચારીના પ્રશ્નો મુદ્દે તખ્સો તૈયાર કરાશે. તો બીજી તરફ કોંગ્રેસની સંભાવિત રણનીતિને ખાળવા માટે ભાજપ દ્વારા પણ બેઠક કરવામાં આવશે. આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-૨માં બેઠક મળશે.
આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીત વાઘાણી સહિતના ધારાસભ્યો ચર્ચા કરશે. સત્ર દરમિયાન ધારાસભ્યોની કામગીરી અંગે નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સાથે જ પ્રશ્નો-પેટા પ્રશ્નોની યાદી ઘડવા અંગે પણ ધારાસભ્યોને સુચના આપવામાં આવશે.