એક જ દિવસમાં અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ ૫૦ કેસ નોંધાવા સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૯૪ કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ વધુ ત્રણનો ભોગ લીધો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના ૬૧૮ દર્દી હજુ સારવાર હેઠળ છે.
રાજ્યમાં જાન્યુઆરીથી આજ દિન સુધી માત્ર દોઢ જ મહિનામાં સ્વાઇન ફ્લૂના ૧૭૯૦ કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુ આંક ૬૪ થયો છે. રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હજુ ૬૧૮ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે જ્યારે ૧૧૦૮ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની ચિંતાજનક સ્થિતિને લઇને કેન્દ્રિય આરોગ્ય સચિવે પણ સમીક્ષા કરવાની ફરજ પડી છે અને દિલ્હીની ટીમે પણ ગુજરાતમાં આવીને કેસોની પેટર્ન તથા સારવારની પદ્ધતિ સહિતની બાબતોનો અભ્યાસ કર્યો હતો.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મોર્ટાલિટી રેટ ૩.૫૭ છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ મોખરે છે. માત્ર અમદાવાદમાં જ ૩૨ ટકાથી વધુ કેસો નોંધાયા છે. તે સિવાય સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને વડોદરામાં પણ કેસોની સંખ્યા વધારે છે. આરોગ્ય તંત્રએ અપીલ કરી છે કે કોઇપણ વ્યક્તિને તાવ કે ફ્લૂના લક્ષણ જણાય તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો અને ગાઇડલાઇન મુજબ ઓસેલ્ટામીવીર નામની દવા લેવી. વૃદ્ધ, ૫ વર્ષથી નાના બાળકો અને ડાયાબિટીસ, બીપી, હ્યદયરોગ જેવી બિમારી ધરાવતા વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવી.