મહીસાગર વન વિભાગની ચેતવણી, વાઘનો ભય સાંજ બાદ બહાર ન જવું, ખેતરે સુવુ નહી

1078

મહીસાગર જીલ્લામાં ગઠ ગામ આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાએ દિવસથી વાઘ જોવા મળી રહ્યો છે. આ વાતી વન વિભાગ દ્વારા પણ પુષ્ટી કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વાઘ પર નજર રાખવા વન વિભાગે નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૩- ૪ વખત વાઘ જોવા મળ્યો છે. સાથે વાઘ દ્વારા કેટલીક જગ્યા પર શિકાર કરાયો હોવાની પણ વાતો બહાર આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘ દ્વારા છેલ્લા એક અઠવાડીયામાં કેટલીક જગ્યાઓ પર પાળતુ પશુઓનો શિકાર કર્યો હોવાનું સામે આવતા વન વિભાગ એલર્ટ થઈ ગયું છે. વન વિભાગ દ્વારા જંગલની આસપાસ આવેલા ગામ લોકોને સાંજ બાદ બહાર ન નીકળવાનું જણાવ્યું છે. સાથે વન વિભાગે ખાસ કરીને ખેતરમાં તો રાત્રી ન રોકાવાની ચેતાવણી પણ આપી છે.અત્યાર સુધીમાં વાઘ દ્વારા બકરા, ગાય, બળદ જેવા પાલતું પ્રાણીઓને શિકાર બનાવ્યાની ઘટના સામે આવી ચુકી છે. જેણે પગલે વન વિભાગે પશુ પાલકો માટે પણ જાહેરાત કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મહિસાગરના જંગલમાં વાઘ ફરી રહ્યો છે, તે પાલતું પશુઓનો પણ શિકાર કરી રહ્યો છે. જો વાઘ દ્વારા કોઈના પશુને નુકશાન થશે તો, સહાય કરવામાં આવશે, જેમાં ભેંસ માટે ૩૦ હજાર રૂપિયા, ઊંટ અને બળદ માટે ૨૫ હજાર તથા ઘેટા-બકરાં માટે ૩ હજારની સહાય ચુકવવાની વન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.આ બાજુ સાવચેતીના ભાગરૂપે વન વિભાગે અન્ય પણ એક નિર્ણય લીધો છે. વન વિભાગ દ્વારા જંગલમાં વાઘને પકડવા માટે ગીર સોમનાથથી પાંજરા પણ મંગાવવામાં આવ્યા છે. જે જગ્યા પર નાઈજ વિઝન કેમેરામાં વાઘ દેખાયો છે, તેવી જગ્યાઓ પર પાંજરા મુકવામાં આવશે. જોકે, વન વિભાગ દ્વારા પાંજરા મંગાવતા ગ્રામજનોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે, તેમને એવું લાગી રહ્યું છે કે, વન વિભાગ વાઘને પકડી ક્યાંક બીજે લઈ જશે. આ બાજુ વન વિભાગનું કહેવું છે કે, વાઘ માટે સાવચીતાના ભાગરૂપે પાંજરા મંગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં વાઘે ત્રણ ચાર જગ્યા પર પશુઓનો શિકાર કર્યો છે. અમે વાઘ કોઈ માનવીને પોતાનો શિકાર ન બનાવે તેની સાવચેતીના ભાગરૂપે તેને ઝડપવા માટે પાંજરા મુકી રહ્યા છીએ.

Previous articleનાના રણમાં ફાયરિંગ કરી નીલગાયના શિકારથી ખળભળાટ, શિકારીઓ ફરાર
Next articleરાજ્ય ચૂંટણીપંચોના કમિશનરોની અ. ભા. પરિષદનો પ્રારંભ