સર્જીકલ સ્ટ્રાઈકના ડરથી પાકિસ્તાને લોન્ચપેડથી આતંકીઓને શિફ્ટ કર્યા

711

પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ભારતમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા લોકોમાં પ્રચંડ માંગ છે ત્યારે પાકિસ્તાનમાં પણ દહેશત દેખાઈ રહી છે. પાકિસ્તાને દહેશત અને સલામતીના ભાગરુપે અંકુશરેખા પર લોંચપેડમાંથી આતંકવાદીઓને અન્યત્ર શિફ્ટ કરી લીધા હોવાના અહેવાલ મળ્યા છે. તમામ ત્રાસવાદીઓને અન્યત્ર ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાકિસ્તાનને એવી દહેશત સતાવી રહી છે કે, ભારત સરકાર શાંત રહેશે નહીં અને ભારતીય સશસ્ત્ર દળો જવાબી કાર્યવાહી કરી શકે છે. સીઆરપીએફ કાફલા ઉપર જૈશના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ પહેલાથી જ પગલા લેવાની શરૂઆત કરી છે. સરહદ ઉપર હાલમાં કોઇપણ પ્રકારની તંગદિલી નથી પરંતુ સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ બંને દેશોમાં જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. હાલમાં અંકુશરેખા ઉપર અથવા તો આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર કોઇપણ નવેસરથી જવાનોની તૈનાતી થઇ નથી પરંતુ પાકિસ્તાનમાં દહેશત ફેલાયેલી છે જેથી લોંચપેડથી ત્રાસવાદીઓને અન્યત્ર ખસેડી લીધા છે. આ ત્રાસવાદીઓને પાકિસ્તાની સેનાના કેમ્પમાં લઇ જવાયા છે. ભારતીય સેના પાસે ઘણા બધા વિકલ્પ રહેલા છે જેમાં હવાઈ હુમલાનો સમાવેશ થાય છે. ઇન્ટેલીજન્સ સુત્રોનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા જવાબી હુમલાના કેસમાં પગલાની તૈયારી પણ રાખવામાં આવી છે. આ વર્ષે સરહદ ઉપર પાકિસ્તાન તેની શિયાળાની ચોકીઓને ખાલી નહીં કરે તેમ માનવામાં આવે છે. અગાઉ વિતેલા વર્ષોમાં ઠંડીના દિવસોમાં ૫૦થી ૬૦ની સંખ્યામાં શિયાળામાં ચોકીઓ ખાલી કરવામાં ઓ છે. આ વખતે આતંકવાદીઓના લોંચપેડ ખાતેથી હુમલા બાદ આતંકવાદીઓને ખસેડી લેવાયા છે. લોંચપેડ ઉપર સેંકડો આતંકવાદીઓ હોવાના અહેવાલો મળતા રહ્યા છે.

Previous articleરાજ્ય ચૂંટણીપંચોના કમિશનરોની અ. ભા. પરિષદનો પ્રારંભ
Next articleઆસામને બીજુ કાશ્મીર બનવા નહીં દઈએ : શાહ