અસમના લખીમપુરમાં રવિવારના દિવસે આયોજિત એક જનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, અમે કોઇપણ કિંમતે આસામને બીજુ કાશ્મીર બનવા દઈશું નહીં. આજ કારણસર અમે એનઆરસી લઇને આવ્યા છીએ. અમે સંકલ્પ કર્યો છે કે, આની મદદથી ઘુસણખોરી કરનાર દરેક શખ્સને આસામમાંથી બહાર કરી દેવામાં આવશે. અમિત શાહે આ પ્રસંગે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, સીઆરપીએફના ૪૦ જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં. ભારતીય જનતા યુવા મોરચાની રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, આ માત્ર પૂર્વોત્તરની વાત નથી. બલ્કે સમગ્ર દેશમાં રહેતા તમામ શરણાર્થીઓ લોકોની વાત છે. આસામમાં જે રીતે જનસંખ્યા બદલાઈ છે તે જોતા નાગરિકતા બિલ વગર રાજ્યના લોકો મોટા ખતરામાં મુકાશે. કોંગ્રેસ અને યુપીએના પૂર્વ સાથી અસમ ગણ પરિષદની ઝાટકણી કાઢતા અમિત શાહે કહ્યું હતું કે, બંને પક્ષોએ ૧૯૮૫માં આસામ સમજૂતિમાં હસ્તાક્ષર કર્યા બાદ મોટાભાગે સત્તા ઉપર રહ્યા હોવા છતાં આને લાગૂ કરવા માટે કોઇ કામ કર્યું નથી. ભાજપ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, માત્ર થોડાક લોકોએ જ આ બિલનો વિરોધ કર્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે, અસમ ગણપરિષદ અને અન્ય જે પણ પક્ષોએ નાગરિકતા બિલનો વિરોધ કર્યો છે તે પાર્ટીઓનો સંપૂર્ણ સફાયો થઇ રહ્યો છે. આસામના લોકો શાંતિ, વિકાસ, નરેન્દ્ર મોદી, સોનોવાલ અને હેમંત બિશ્વાની સાથે છે. આસામી લોકોને સુરક્ષા આપવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. પુલવામા હુમલાના સંદર્ભમાં અમિત શાહે કહ્યું હતું કે, આ કાયરતાપૂર્વકનું કૃત્ય ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તેમને કોઇ કિંમતે છોડાશે નહીં. કારણ કે, હવે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર નથી. અમે કોઇ સુરક્ષા મુદ્દા પર બાંધછોડ કરવામાં માંગતા નથી. અમિત શાહે વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા.