રાજુલાના ધારેશ્વર ડેમના પાણીમાં ડુબાડી રજપૂત આધેડની હત્યા કરનાર સસરા-જમાઈને પોલીેસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજુલાના ધારેશ્વર ડેમમાંથી ગત તા.૧૪ના રોજ જામસીંગ વિરાજીની હત્યા કરાયેલી હાલતે લાશ મળી આવી હતી. જે બનાવ અંગેની તપાસ પી.આઈ. જાડેજાએ હાથ ધરતા હત્યારા ધીરૂભાઈ કુંભારીયા અને તેના સસરા ભુપતભાઈને મુંબઈ ખાતેથી ઝડપી લીધા હતા અને બન્નેની પુછપરછ કરતા આરોપી ધીરૂભાઈએ કબુલાત આપી હતી કે, મરણ જનાર જામસીંગભાઈને તેમની પત્ની સાથે આડા સંબંધ હોય તેની જાણ થતા જામસીંગભાઈને ફોસલાવી વાવેરા ગામે લઈ જઈ ત્યાં સસરા ભુપતભાઈ સાથે મળી જામસીંગભાઈની હત્યા કરી લાશને ધારેશ્વર ડેમમાં ફેંકી દીધી હતી. પોલીસે બન્ને આરોપીની ધોરણસરની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. આ કામગીરીમાં પીઆઈ યુ.ડી. જાડેજા, સ્ટાફના મનુભાઈ, જયરાજભાઈ, ધનસુખભાઈ, બહાદુરભાઈ જોડાયા હતા.