પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર ઘાતક હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં આઘાત અને દુઃખની લાગણી ફેલાઈ છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જાવેદ અખ્તર અને શબાના આઝમીએ કરાચીની મુલાકાત લેવાનો તેમનો પ્લાન કેન્સલ કર્યો હતો. આ કપલને કરાચી આર્ટ કાઉન્સિલ દ્વારા આયોજિત બે દિવસની ઇવેન્ટ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું.
આમ છતાં કંગના રનૌત શબાનાથી નારાજ છે. તેણે શબાના પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘શબાના આઝમી જેવા લોકો ભારત તેરે ટૂકડે ટૂકડે હોંગે ગેંગ્સને પ્રમોટ કરે છે. સૌપ્રથમ તો ઊરીમાં થયેલા હુમલા પછી પાકિસ્તાની આર્ટિસ્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે શા માટે તેમણે કરાચીમાં ઇવેન્ટનું આયોજન કર્યું હતું? અને હવે તેઓ અપમાનથી બચવાની કોશિશ કરી રહ્યા છે?’
તેણે વધુ કહ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવા રાષ્ટ્રવિરોધીઓથી ભરપૂર છે કે જેઓ અનેક રીતે દુશ્મનોનું મોરલ વધારી રહ્યા છે, પરંતુ હવે કોઈ નિર્ણાયક પગલું લેવા પર ફોકસ કરવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાન પર પ્રતિબંધ નહીં, પરંતુ પાકિસ્તાનનો વિનાશ પર જ ફોકસ છે. હવે જ્યારે કંગનાની આ કોમેન્ટ વિશે શબાનાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘શું તમે ખરેખર માનો છો કે, આ શોકની સ્થિતિમાં આપણો આખો દેશ એક થયો છે ત્યારે એવા સમયે મારા પર આ પ્રકારનો પર્સનલ અટેક કોઈ પણ રીતે મહત્વપૂર્ણ હોય શકે છે? ભગવાન તેને આશીર્વાદ આપે.