પુલવામા આતંકી હુમલા બાદ એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ ચોતરફ પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર સમગ્રરીતે પ્રતિબંધ લાગી ગયો છે. ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરનાર પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધની જાહેરાત કરી છે.પત્રમાં સ્પષ્ટરીતે કહેવામા આવ્યુ છે કે પ્રતિબંધ હોવા છતાં કોઈ સંગઠન પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા પર જોર આપે છે તો એઆઈસીડબ્લ્યુએ તેમનો પ્રતિબંધ કરશે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પત્રમાં પુલવામા આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા. આ ગંભીર સ્થિતિમાં અજય દેવગણે પણ ટ્વીટ કરી કે તેમની આગામી ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમા રિલીઝ થશે નહીં. ટોટલ ધમાલમાં અનિલ કપૂર અને માધૂરી દિક્ષિત સહિત એક મલ્ટી-સ્ટાર કાસ્ટ છે.
આ સિવાય ટોટલ ધમાલની ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોને પણ ૫૦ લાખ રૂપિયાનુ દાન આપ્યુ છે.