રાજ્યમાં એક પછી એક વિવિધ સરકારી ખાતાના કર્મચારીઓમાં નારાજગી વધી રહી છે, આ સરકારી કર્મચારીઓ ચૂંટણી પહેલા પોતાની માગ પૂરી થાય તે માટે ઉગ્ર દેખાવો કરી રહ્યાં છે. જેમાં હાલ રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે, તો હવે એસ.ટી. નિગમના કર્મચારીઓ પણ ધરણા પર ઉતરશે, ત્યારબાદ જો માગ નહી સ્વીકારવામાં આવે તો માસ સીએલ પર ઉતરવા ચિમકી ઉચ્ચારી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાજ્યના એસ.ટી નિગમ યુનિયને સરકારે સામે બાયો ચડાવી છે. પોતાની વિવિધ માગને લઇને તારીખ સોમવારે ધરણા પર ઉતર્યા અને આજે પણ ઉતરશે, ત્યારબાદ પણ તેઓની માગણી નહીં સ્વીકારવામાં આવે તો આજે મધ્યરાત્રીથી માસ સીએસ પર જવાની ચિમકી ઉચ્ચારી છે.
સામાન્ય રીતે અગાઉથી જ એસ ટી વિભાગ ખોટ કરી રહ્યું છે, એવામાં માસ સીએલથી મોટાપાયે સરકારને નુકશાન થઇ શકે છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ચૂંટણીની જાહેરાત થયા બાદ દેશમાં જાહેરનામુ પ્રસિદ્ધ થઇ જશે, આ દરમિયાન કોઇ નવા નિયમ કે યોજનાઓ લાગુ થઇ શકશે નહીં, એવામાં નારાજ સરકારી કર્મચારીઓ પોતાની માગ વહેલી પૂર્ણ થાય તે માટે આગળ આવ્યા છે. રાજ્યના પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી હડતાળ શરૂ કરાઇ છે, છેલ્લા ચાર દિવસથી તેઓ કામથી અળગા રહ્યાં હોવા છતા તેઓની કોઇ માગ સ્વીકારવામાં આવી નથી, એવામાં આગામી દિવસોમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓની હડતાળ કેટલો સમય ચાલશે તે જોવુ રહ્યું.