વિકાસના નામે કપાઈ રહેલાં વૃક્ષો બચાવો : પર્યાવરણ પ્રેમીઓ

983

ગાંધીનગર-સરખેજ હાઇવેને સિક્સ લેન બનાવવા ૮૫૮૦ વૃક્ષોનું નિકંદન નીકળવાનું હોવાથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. વિકાસના નામે પર્યાવરણના થતાં નાશને અટકાવવા રાજ્ય સરકારે પગલાં લેવાની માંગણી સાથે નગરની વિવિધ સંસ્થાઓએ ઘ-૪ સર્કલ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ ર્વોમિંગની અસરથી વિશ્વના દેશો અસાધારણ વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની સમસ્યાને નાથવા એકમાત્ર પર્યાવરણ બચાવવાનો ઉપાય હોવાથી વિશ્વના દેશો પર્યાવરણને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરને જે એક દાયકા પહેલાં હરિયાળા નગર તરીકે ઓળખ ઉભી કરી હતી. પરંતુ સમયાંતરે વિકાસના નામે વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢતા હરિયાળા પાટનગરની વાત ભુતકાળ બની ગઇ છે.

ત્યારે પાટનગરને જોડતા મુખ્યમાર્ગોની બન્ને સાઇડમાં આવેલા વૃક્ષોનું બચાવવા માટે નગરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તેમજ નગરવાસીઓ લડત ચલાવી રહ્યા છે. રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા હાલમાં ગાંધીનગર થી સરખેજ હાઇવેને સિક્સ લેનનો બનાવવા ૮૫૮૦ લીલાછમ વૃક્ષોને કાપી નાંખવામાં આવનાર છે.

માર્ગને પહોળો કરવાની વાત સાથે રોડની બંન્ને સાઇડમાં આવેલા ઘટાદાર હરિયાળા વૃક્ષોને કાપવાના હોવાની જાણ નગરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ તેમજ લોકોને પડતા તેમણે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં વૃક્ષોની સાથે ચીપકો, મૌન રેલી, કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

હરિયાળા વૃક્ષોને બચાવવા માટે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, જ્યોતિ મહિલા મંડળ, સિનીયર સિટીઝન્સ કાઉન્સિલ, જુસીકા, જાગૃત નાગરિક પરિષદ, એન્જિનીયર એસોસીએશન, પંચદેવ યુવક મંડળ, જલારામ સેવા સમાજ, ગાંધીનગર બ્રહ્માકુમારી સહિતની સંસ્થાઓએ આજરોજ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હોવાનું વસાહત મહામંડળના પ્રમુખ અરૂણ બુચે જણાવ્યું છે.

Previous articleવિધાનસભાના સત્રની શરૂઆતમાં રાજયપાલે ગૃહને સંબોધ્યું
Next articleશહિદોની યાદમાં ઘ-૪ સર્કલને અમરજવાન નામ આપવા માંગ