ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરનો મહેસાણા ખાતે પ્રારંભ થયો હતો. ચિંતન શિબિરના પ્રથમ દિવસે આજે મહેસાણા અને પાટણ જિલ્લાના પરિણામોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો અને પદાધિકારીઓએ આ વખતની ચૂંટણીમાં ખોટા ઉમેદવારોને ઉમેદવારી અપાઇ હોવાનો એટલે કે, ટિકિટોની ખોટી વહેંચણી થઇ હોવાનો એક સૂર વ્યકત થયો હતો. જેને પક્ષના દિગ્ગજ નેતાઓએ ગંભીરતાથી લીધો હતો.
ચિંતનશિબિરમાં ૧૭ જિલ્લાઓના પરિણામોની સમીક્ષા અને વિચારણા હાથ ધરાશે. ત્યારબાદ વિગતવાર અહેવાલ તૈયાર કરીને તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુપ્રત કરવામાં આવશે. ચિંતન શિબિરના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તા.૨૩મી ડિસેમ્બરે છેલ્લા દિવસે અમદાવાદ આવશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા હાથ ધરશે. રાહુલ ગાંધી વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્યોને શુભેચ્છા-અભિનંદન પણ પાઠવશે. મહેસાણા ખાતે આજથી શરૂ થયેલી કોંગ્રેસની ચિંતન શિબિરમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, હારી ગયેલા સિનિયર નેતાઓ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહયા હતા. જેમાં ખાસ તો તમામ જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓને હાજર રહેવા તાકીદ કરાઇ હતી. જેથી આ તમામ અગ્રણીઓ પણ શિબિરમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચિંતન શિબિરના આજના પ્રથમ દિવસે મહેસાણા અને પાટણ જિલ્લાના પરિણામોની સમીક્ષા અને ચર્ચા વિચારણા હાથ ધરાયા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો અને સ્થાનિક આગેવાનો-પદાધિકારીઓ પાસેથી પરિણામને લઇ જરૂરી અભિપ્રાય અને ફીડબેક મેળવ્યા હતા તો સાથે સાથે તેમને નિખાલસપણે અને નિર્ભયતાથી જે કોઇ કારણ કે પરિબળ હાર માટે જવાબદાર હોય તે જણાવવા સૂચન કર્યું હતું. જેના અનુસંધાનમાં જિલ્લા પ્રમુખો અને આગેવાનોએ એક સૂરમાં જણાવ્યું હતું કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટોની વહેંચણી જ ખોટા ઉમેદવારોને કરાઇ છે અને તેના કારણે ખોટી ઉમેદવારી ચૂંટણી જંગમાં હોઇ કોંગ્રેસને હારનો સામનો કરવો પડયો. જો સાચા અને લાયક ઉમેદવારોને ટિકિટો ફાળવાઇ હોત તો પરિણામ કંઇક અલગ હોત. એટલે કે, કોંગ્રેસની જીત હોત. જિલ્લા પ્રમુખો સહિતના પદાધિકારીઓના અભિપ્રાયો અને મંતવ્યો જાણ્યા બાદ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સહિતના નેતાઓએ તેને ગંભીરતાથી લીધા હતા અને આ મુદ્દે ચિંતન-મનોમંથનની કવાયત હાથ ધરી હતી.
કોંગ્રેસ દ્વારા રાજયના ૧૭ જિલ્લાના પરિણામો વિશે સમીક્ષા અને મનોમંથન યોજાશે. છેલ્લા દિવસે એટલે કે, તા.૨૩મી ડિસેમ્બરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં આવશે અને તેઓ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેમના સૂચન તેમ જ આગળની રણનીતિ પણ જણાવશે.