ભારે સસ્પેન્સ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે રૂપાણી સૌથી પ્રબળ દાવેદાર

696
guj21122017-3.jpg

ગુજરાતમાં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ પ્રવર્તી રહી છે. ભારે સસ્પેન્સ વચ્ચે કેટલાક નામ ઉપર ચર્ચા ચાલી રહી છે જેમાં વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ પણ પ્રબળ દાવેદાર તરીકે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પોતાની અવધિને આગળ વધારે તેવી શક્યતા છે. રૂપાણીના નામ ઉપર મોટાભાગના સભ્યોની સંમતિ દેખાઈ રહી છે અને  તેમનો દેખાવ પણ સારો રહ્યો છે પરંતુ કેટલાક લોકોને વિરોધ પણ છે. મુખ્યમંત્રીપદની દોડમાં અન્ય કેટલાક નામ પણ છે તેમાં કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા, રાજ્યસભાના સભ્ય સ્મૃતિ ઇરાની, વજુભાઈ વાળાનો સમાવેશ થાય છે. નવી સરકારની રચનાની કવાયત શરૂ થઇ ગઇ છે.     
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં ફરી એકવાર સત્તા જાળવી રાખવામાં સફળ થયેલી ભાજપ દ્વારા હવે પરિણામો બાદ નવી સરકારની રચના અને શપથવિધિ સમારોહની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તો બીજીબાજુ, મુખ્યપ્રધાનના નામની પસંદગીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. નવી સરકારની રચના અને મુખ્યમંત્રીના કળશના મુદ્દે ચર્ચા કરવા ભાજપના ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સરોજ પાંડે ગુજરાત આવી ગયા છે. બીજીબાજુ, દિલ્હીમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી, જેમાં નવી સરકારની રચના અને મુખ્યમંત્રીના નામોની ચર્ચા હાથ ધરાઇ હતી.  તો, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા હવે ૧૩મી વિધાનસભાના વિસર્જન માટે આવતીકાલ સુધીમાં રાજયપાલને પત્ર સોંપશે. નવી સરકારની રચનામાં પ્રધાનમંડળના નામો અને મુખ્યમંત્રીના નામ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથેની ચર્ચા આખરી અને ફાઇનલ રહેશે. હાલ લોકસભાનું ગૃહ ચાલુ હોઇ અમિત શાહ શનિવારે અમદાવાદ આવશે અને સોમવાર સુધી અહીં રહે તેવી શકયતા છે કે જેથી આ કવાયતને આખરી ઓપ આપી શકાય. ભાજપના ચૂંટાયેલા ૯૯ ધારાસભ્યો પૈકી ૨૭ ધારાસભ્યો પાટીદાર સમાજના છે, તેથી પાટીદારોનો દબદબો ગૃહમાં જળવાય તેવી શકયતા છે. તો મુખ્યમંત્રીના નામની જાહેરાત તા.૨૩મી ડિસેમ્બર સુધીમાં કરી દેવાય તેવી શકયતા છે. તા.૨૨મીએ યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રીનું નામ સૂચવી દેવાય તેવી શકયતા છે. ત્યારબાદ રાજયપાલને સરકાર રચવા અંગેની બહુમતી સાથેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. જે ધ્યાનમાં લઇ રાજયપાલ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપશે અને સોમવારે વિધિવત્‌ રીતે સરકારની રચના થશે. નવી સરકારની રચના બાદ રાજયપાલ દ્વારા સિનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુકત કરશે અને આ પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ધારાસભ્યપદના શપથ લેવડાવશે. હાલમાં વિધાનસભા ગૃહની રિનોવેશનની કામગીરી ચાલતી હોઇ ૧૪મી વિધાનસભાનું પહેલુ શિયાળુ સત્ર મહાત્મા મંદિર ખાતે મળશે. તા.૨૫મી ડિસેમ્બરે મુખ્યમંત્રી અને નવા પ્રધાનમંડળનો શપથવિધિ સમારોહ યોજાય તેવી શકયતા સેવાઇ રહી છે. ભાજપ દ્વારા નવી સરકારની રચના અને પ્રધાનમંડળમાં કયા કયા પ્રધાનોને સમાવવા તે સહિતની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મહત્વનું કામ ભાજપ માટે આ વખતે મુખ્યમંત્રી પદની નિયુકિતનું છે. જે પ્રકારે ભાજપનો નબળો દેખાવ આ વખતની ચૂંટણીમાં રહ્યો તે જોતાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે રિપીટ કરાય છે કે તેમના બદલે નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના નેતાઓમાંથી કોઇની પર પસંદગીનો કળશ ઢોળાય છે તેની પર સૌની નજર કેન્દ્રિત થયેલી છે. જો કે, અમિત શાહે જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા, તેથી તેમને રિપીટ કરાય તો નવાઇ નહી તેવી પણ એક સંભાવના પ્રવર્તી રહી છે.
બીજીબાજુ, આજે વજુભાઇ વાળાનું નામ અચાનક જ ચિત્રમાં આવ્યું છે, તેથી તે વિકલ્પ પણ ભાજપ અપનાવે તો નવાઇ નહી. ભાજપની નવી સરકાર અને મુખ્યમંત્રી-પ્રધાનમંડળના શપથવિધિ સમારોહમાં ગુજરાતભરમાંથી ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપરાંત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા સહિતની ભાજપ શાસિત દેશના અન્ય રાજયોની સરકારમાંથી પણ દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ અને મહાનુભાવોને ખાસ આમંત્રિત કરાશે. 
 

Previous articleવજુભાઇ વાળાની , પીએમ સાથે બેઠક
Next articleસેકટર – ૭ માં લીકેજથી પાણીનો બગાડ : તંત્ર ઉદાસીન