અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે વુમન્સ ટેનિસ એસોસિયેશનના રેન્કિંગમાં ટોપ-૧૦માં પ્રવેશ મેળવ્યો છે. તે ૧૭ મહિના પછી વિશ્વની ટોપ ૧૦ ખેલાડીઓમાં આવી છે. સેરેના ૨૦૧૭માં મા બની હતી. તે પછી તે ક્યારેય ટોપ-૧૦માં જગ્યા બનાવી શકી ન હતી. ઓસ્ટ્રેલિયા ઓપન શરૂ થઇ ત્યારે સેરેના ૧૬મા સ્થાને હતી. ક્વાર્ટર ફાઇનલમાં પહોંચતા તેને પાંચ સ્થાનનો ફાયદો થયો હતો. તાજેતરમાં તેને ફરી એક સ્થાનનો ફાયદો થતાં તે ૧૦મા ક્રમે આવી ગઈ છે. પૂર્વ વર્લ્ડ નંબર ૧ રોમાનિયાની સિમોના હાલેપ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપન પહેલા તે બીજા સ્થાને હતી, પરંતુ તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારતા ત્રીજા સ્થાને જતી રહી હતી.
૨૩ ગ્રાન્ડ સ્લેમ વિજેતા સેરેના છેલ્લે બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન જીતી હતી. તે પછી પ્રેગ્નન્સીના લીધે તે રમતથી દૂર રહી હતી. તે વર્ષે તેણે સપ્ટેમ્બરમાં પોતાની દીકરી ઓલંપિયાને જન્મ આપ્યો હતો.
માર્ચ ૨૦૧૮માં સેરેનાએ ટેનિસ જગતમાં વાપસી કરી હતી. આ વર્ષે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કર્યા બાદ કોઈ મેચ રમી નથી. તે અત્યાર સુધીમાં ૭ ઓસ્ટ્રેલિયન ઓપન, ૩ ફ્રેન્ચ ઓપન, ૭ વિમ્બલ્ડન અને ૮ યૂએસ ઓપન ટાઇટલ જીતી ચૂકી છે.