આજે મધરાતથી ૫૦૦થી વધુ એસટી બસના પૈડાં થંભી જશે, ૨૫૦૦ કર્મીઓ હડતાળ પર

830

એસ.ટી નિગમના કર્મચારીઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ મુદ્દે સરકાર સાથે અવારનવાર કરેલી મંત્રણા પડી ભાંગતા હવે રાજ્યભરના કર્મીઓએ આંદોલનના મંડાણ કર્યા છે. ૨૦મી ફેબ્રુઆરીએ રાત્રે ૧૨ વાગ્યાથી એસ.ટીના તમામ કર્મચારીઓ એકસાથે માસ સીએલ મૂકી હડતાળમાં જોડાશે જેના પગલે રાજકોટ ડિવિઝન સહિત રાજ્યભરની એસ.ટી બસના પૈડા થંભી જશે.

રાજકોટ ડિવિઝનની ૫૦૦થી વધુ બસ ૨૦મીએ રાત્રે ૧૨ વાગ્યા પછી નહીં ઉપડે. રાજકોટ ડિવિઝનમાં કુલ ૨૫૦૦ જેટલા કર્મચારીઓ જુદા-જુદા વિભાગોમાં કામ કરી રહ્યા છે. જે પૈકી ૨૧૫૦ કર્મચારીઓએ ૨૧મીનો રજા રિપોર્ટ વહીવટી અધિકારીને આપી દીધો છે. એટલે ૨૦મીએ રાત્રેથી ડ્રાઈવર-કંડકટર, વર્કશોપ સ્ટાફ, ઓફિસ સ્ટાફ, વોચમેન, પટ્ટાવાળા સહિતના અનેક કર્મીઓ સામૂહિક હડતાળ પાડશે. જેના પગલે લાખો મુસાફરો રઝળી પડશે અને ૨૧મીએ જુદા જુદા રૂટના ૧ હજારથી વધુ રૂટ રદ્દ કરવા પડશે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચના લાભ આપવા સહિતના પડતર પ્રશ્નની માગણી સાથે રાજકોટ સહિત રાજ્યભરમાં એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને પોતાની માગણીઓનો નિવેડો લાવવા માગ કરી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝન કચેરીના યુનિયનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૧૧,૫૦૦ કર્મચારીઓ તા.૨૦મીએ રજા રિપોર્ટ મુકી હડતાળ ઉપર ઉતરશે.

Previous articleસારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે
Next article૭૫ વિદ્યાર્થીઓએ મુંડન કરાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી