વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી એ વિધાનસભામાં બહુ ચર્ચિત થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ વિધાનસભા માં શા માટે રજૂ કરવામાં આવતો નથી તે બાબતે સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં સરકારનું કહેવું છે કે, થાનગઢ દલિત હત્યાકાંડની તપાસ કમિશન ઓફ ઈન્કવાયરી એકટ હેઠળ સોંપવામાં આવેલ ન હોઈ, અહેવાલ સભાગૃહમાં રજૂ કરવાનો રહેતો નથી એવો જવાબ પાઠવ્યો છે, જે સરકારની મેલી મુરાદ અને દલિત વિરોધી માનસિકતા દેખાડે છે.
જો કમિશન ઓફ ઈંકવાયરી એકટ-૧૯૫૨ હેઠળ સરકારને તપાસ અહેવાલ સોંપવામાં આવ્યો હોય તો કલમ ૩(૪) હેઠળ આ અહેવાલ ૬ મહિનામાં વિધાન સભામાં રજૂ કરવાનો થાય. પરંતુ આ તપાસ કમિશન ઓફ ઈંકવાયરી એકટ હેઠળ થઈ નથી એ ભાજપ સરકારે રજૂ કરેલ ટેકનિકલ બહાનું છે.
આ મુદ્દે, વાત એટલી છે કે જો સરકારની માનસિકતા દલિત વિરોધી ન હોય અને સરકારના પેટમાં કોઈ પાપ ના હોય તો સરકારને આ રીપોર્ટ જાહેર કરી ગૃહમાં તેની ચર્ચા કરતાં દુઃખે છે કેમ. થાનગઢ હત્યાકાંડમાં દલિત સમાજના ૧૬, ૧૭ અને ૨૧ વર્ષના દૂધમલ દલિત યુવાનોની હત્યા કરવામાં આવી હતી.
આ યુવાનો પર કોની મંજૂરીથી અને એવા કયા સંજોગોનું નિર્માણ થયું કે આ ૩ દલિત યુવાનો પર ફાયરિંગ કરવાની જરૂર પડી આ વાત ગુજરાતની જનતા સમક્ષ બહાર આવે તે લોકહિતમાં અત્યંત આવશ્યક છે.