મોસાળમાં મા પીરસનાર કે ગુજરાતની પ્રજાને થપ્પડઃવિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આવી ચોકાવનારી માહિતી

667

કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ગુજરાતને અન્યાયની થપ્પડ મારી છે. તેના પડઘા લોકસભામાં પડે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના ઉત્તરોમાં આ વિગતો બહાર આવી છે.

૧. અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત મોકલવા ગુજરાતની ભાજપ સરકારને કહ્યું નથી. ગુજરાત સરકારે કર્ણાવતીની કોઈ દરખાસ્ત બે વર્ષથી મોકલી નથી. ૨. અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી. ૩. ૨૦૧૯ના ગુજરાતના ૫૧ તાલુકા અન ૩૨૯૧ ગામોમાં દુષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પાસેથી રૂ.૧૭૨૫ કરોડની સહાય માંગી હતી, તેમાં કેન્દ્ર સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે. ૪. ૨૦૧૭મા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને પારાવાર નુકસાન થયું હતું. તે માટે ગુજરાત સરકારે રૂ.૨૦૯૪.૯૨ કરોડની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી, જેમાં કોઈ રકમ આજ સુધી આપવામાં આવી નથી. ૫. હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સિંહની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઈ માંગણી પણ કરી નથી. ૬. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ૧ જાન્યુઆરી ૨૦૦૯માં આજથી ૧૦ વર્ષ પહેલાં અમદાવાદના સાણંદ નજીક ટાટા મોટર્સને દર વર્ષે ૨,૫૦,૦૦૦ કારનું ઉત્પાદન કરવાનું હતું. પણ ૨૦૧૬માં ૧૧,૩૨૩, ૨૦૧૭માં ૩,૧૨૦ અને ૨૦૧૮માં માત્ર ૫૧૨ નેનો કારનું ઉત્પાદન થયું હતું. ૭. રાષ્ટ્રીય હીત માટે પોતાની જાતનું બલિદાન આપી દેનારા વ્યક્તિને રાજ્ય સરકારે છેલ્લાં ૨ વર્ષથી કોઈ પુરસ્કાર આપેલો નથી. ૮. ગુજરાતના ૧૧ મધ્યમ કક્ષાના અને ૨૦ નાના બંદરો પર સુરક્ષા અપૂરતી હોવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને બે વર્ષમાં એક પણ રજૂઆત કે દરખાસ્ત કરીને સલામતી આપવાની માંગણી કરી નથી. ૯. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ માટેનું અનુદાન આપવા ૧૭ મે ૨૦૧૬માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઈ રકમ ૨૦૧૬માં ફાળવી શકાય તેમ નથી. ૨૦૧૩માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો.

૧૦. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા બે વર્ષથી કોઈ રકમ આપી નથી. ૧૧. લઘુમતીઓના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી. ૧૨.  જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ભાજપ સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી, એ મોટો અન્યાય છે. ૧૩. પોલીસ બેડાનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનમોહન સિંહની સરકારે રૂ.૭૮.૪૩ કરોડ ૨૦૧૩-૧૪માં ગુજરાતને આપ્યા હતા. પણ ભાજપ સરકાર આવ્યા પછી ૨૦૧૭-૧૮માં રૂ.૩૩ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ.૨૭ કરોડ આપ્યા હતા. ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે. ૧૪. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ મનમોહન સિંહની કેન્દ્ર સરકારે ૨૦૧૩-૧૪માં રૂ.૧૮૫.૮૧ કરોડ આપ્યા હતા. ભાજપ સરકારે ૨૦૧૭-૧૮માં રૂ.૭૩.૮૪ કરોડ, ૨૦૧૮-૧૯માં રૂ.૧૭.૪૧ કરોડ જ આપ્યા છે. અહીં એક થપ્પડ ગુજરાતને મારવામાં આવી છે.

૧૫. ક્રાઈમ એન્ડ ક્રિમિનલ સિસ્ટમ માટે કેન્દ્ર સરકારે ૨૦૧૬માં રૂ.૧૬.૭૫ કરોડ, ૨૦૧૭માં રૂ.૨.૩૯ કરોડ અને ૨૦૧૮માં રૂ.૨.૭૨ કરોડ જ ફાળવ્યા છે. ૧૬. રાજીવ ગાંધી યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી ૨૦૧૭માં રૂ.૩૯.૨૪ કરોડ અને ૨૦૧૮માં માત્ર રૂ.૬.૬૩ કરોડ ફાળવેલા છે. ૧૭. ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમ માટે કેન્દ્ર સરકારે ૨૦૧૭ અને ૨૦૧૮માં એક પણ રૂપિયાની ગ્રાંટ આપી નથી. ૧૮. કૌશલ્ય વર્ધન કેન્દ્રોને ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, અપગ્રેડેશન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને સોફ્‌ટ સ્કીલ તાલીમ માટે ૨૦૧૭ અને ૨૦૧૮માં એકપણ રૂપિયાની રકમ આપી નથી કે મદદ કરી નથી. ૧૯. ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમને ૨૦૧૭-૧૮માં રૂ.૮.૫૦ કરોડ અને ૨૦૧૮-૧૯માં રૂ.૭.૫૦ કરોડ ફાળવેલા છે. ૨૦. રાષ્ટ્રીય જમીન દફતર સંચાલન કાર્યક્રમ હેઠળ સરકાર તરફથી રૂ.૨૦૧૭-૧૮માં રૂ.૧૦ કરોડ અને ૨૦૧૮-૧૯માં કોઈ રકમ આપી નથી.

૨૧ રાજ્ય કક્ષાએ આંકડા તંત્રને વ્યૂહાત્મક રીતે સંગીન બનાવવા માટે ૨૦૧૭-૧૮માં રૂ.૬.૧૨ કરોડ અને વર્ષ ૨૦૧૮માં કોઈ રકમ આપી નથી ૨૨. ૨૦૧૭માં વાયબ્રન્ટ સિમિટમાં ૪૨.૯૮ લાખ રોજગારી મળવાની હતી. પણ તેની સામે ૨.૯૫ લાખ લોકોને નોકરી મળી હતી. જે માત્ર ૭ ટકા થાય છે. એટલી રોજગારી તો સામાન્ય સંજોગોમાં મળતી રહે છે. ૨૩. છેલ્લાં ૨ વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી. ૨૪. દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચેયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં ૨ વખત મળવી જોઈએ પણ ૨ વર્ષમાં એક જ બેઠક મળી છે. ૨૫. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે કોઈ નાણાં ગુજરાતને આપ્યા નથી. ૨૬. ૨૦૧૩ના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્નો પૈકી આઈ. વી. લીમીટ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને છેલ્લાં બે વર્ષથી એક પણ રજૂઆત કે દરખાસ્ત પણ કરી નથી. જે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે માંગણી કરી હતી. પણ તેઓ વડા પ્રધાન બનતા પડતર પ્રશ્નો ભૂલાઈ ગયા છે.

Previous articleથાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ જાહેર કરાશે નહિ : જિગ્નેશ મેવાણીના પ્રશ્નનો જવાબ
Next articleગાંધીનગરમાંથી સ્વાઈનફ્‌લૂના વધુ બે ૫ોઝિટિવ દર્દીઓ મળ્યા