પુલવામા આતંકી હુમલા પર જ્યાં ભારતમાં જબરદસ્ત ઉકળાટ છે ત્યાં પાકિસ્તાને આ મામલે ભારતને ખુલ્લેઆમ ધમકી આપી દીધી છે. પાક.ના ઁસ્ ઇમરાન ખાને કહ્યું કે આ હુમલામાં પાક.નો હાથ જ નથી. ઇમરાને કહ્યું કે ભારતે કોઇપણ પુરાવા આપ્યા વગર ઇસ્લામાબાદ પર આરોપ મૂકયા છે. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરશે તો અમે પણ હુમલો કરીશું. આ સંબોધનમાં ઇમરાને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો. ઇમરાને કહ્યું કે કાશ્મીરમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તેના પર વિચારવાની જરૂર છે, અમે હુમલો શું કામ કરાવીશું. અમને તેનાથી શું ફાયદો થશે. પાક. આતંકવાદનો સૌથી મોટો ભુક્તભોગી છે. આ નવું પાકિસ્તાન, નવા માઇન્ડસેટ અને નવી સોચ છે. અમે પણ આતંકનો ખાત્મો ઇચ્છીએ છીએ. પાક.ના નામે સંબોધનમાં ઇમરાને કહ્યું કે હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું. જ્યારે સાઉદીના પ્રિન્સ અમારા દેશની અગત્યની મુલાકાત પર હતા તો ભલા પાકિસ્તાન આવું શું કામ કરશે. જ્યારે પણ કાશ્મીરમાં કોઇ ઘટના બને તો પાકિસ્તાનને જવાબદાર ગણાવા કેટલું યોગ્ય છે. પાકિસ્તાનને દર વખતે વિપેન બોય બતાવા યોગ્ય ગણાશે નહીં.
પાકિસ્તાની પીએમે કહ્યું કે ભારત જો પુલવામા આતંકી હુમલાની કોઇપણ પ્રકારની તપાસ કરવા માંગે છે તો અમે તૈયાર છીએ. જો તેમની પાસે આ હુમલામાં પાકિસ્તાનના સામેલ હોવાના કોઇ પુરાવા છે તો અમને આપે, અમે એકશન લેશું. અમારા પર કોઇપણ પ્રકારનું દબાણ નથી. જો કોઇ પાકિસ્તાની જમીન અમારી વિરૂદ્ધ ઉપયોગ કરી રહ્યું છે તો એ યોગ્ય નથી.
ઇમરાને કહ્યું કે તેમનો દેશ આતંક પર વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જ્યારે પણ અમે ભારત સાથે વાતચીત કરવા માટે ઓફર કરીએ છીએ તો તેઓ કહે છે કે પહેલાં આતંકવાદને ખત્મ કરે. અમે આતંક પર વાત કરવા માટે તૈયાર છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ ક્ષેત્રમાં આતંક ખત્મ થાય. અમને સૌથી વધુ આતંકથી નુકસાન થયું છે. ૧૦૦ અબજ ડોલરથી વધુ અમને આર્થિક નુકસાન થયું છે. ૧૫ વર્ષમાં ૭૦ હજાર પાકિસ્તાની આતંકના લીધે મરી ગયા છે.