રાજ્ય સરકારની અતિ મહત્વની એવી સૌની યોજના સંદર્ભે લીંક-૨, તબક્કો-૨, પેકેજ-૬ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે કેન્દ્રિય માર્ગ પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે શિલાન્યાસ વિધિ તા. ૦૯ સપ્ટે.ના રોજ મોડી સાંજે બાદ સંપન્ન થઈ હતી.
તેમજ તેમણે હણોલથી ઘોડીઢાળ સુધી અંદાજે રૂપિયા ૯૫/- લાખના ખર્ચે અને ૨.૧૦ કીલોમીટરના બનનારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના રોડનુ પણ ખાતમુહુર્ત કર્યુ હતુ.
તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમના પોતાના ગામ હણોલમાં વર્ષો પહેલા પાણીની વિકટ સમસ્યા હતી રાજ્યમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા બાદ આ સમસ્યા દુર થઈ છે. અને આજે અહીં કરેલ ખાતમુહુર્તનું કામ આવનારા દિવસોમા અંદાજે ૧૮/- માસના સમયગાળામાં ૩૪/- કીલોમીટર લંબાઈની પાઈપલાઈનવાળુ રૂપિયા ૬૯૮/- કરોડના ખર્ચે પૂર્ણ થશે તે થકી ભાવનગર જિલ્લાની અને ખાસ કરીને પાલીતાણા તાલુકાની પાણીની સમસ્યા સંપૂર્ણપણે હલ થશે.
ચોંડા ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડાશે.સૌની યોજના દ્વારા રાજ્યના ૧૧૫/- ડેમો નર્મદાના પાણીથી ભરવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.કેન્દ્ર સરકારે ખેડુતોના યુરીયા ખાતરની અછતના પ્રશ્નને નીમ કોટેડ યુરીયા થકી સંપૂર્ણપણે હલ કર્યો છે.
જળસંપત્તિ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યુ હતું કે સૌની યોજના થકી સૌરાષ્ટ્રને એક મીલીયન એકર ફીટ પાણી અપાશે.
તેના દ્વારા ખેડુતો સંપૂર્ણ સમ્રુદ્ધિ તરફ આગળ વધશે. ૧૦/- ફૂટ કરતાં પણ વધારે ડાયામીટરની પાઈપલાઈનથી ગામે ગામ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. સૌની યોજનાથી ભાવનગર જિલ્લાના રંઘોળા, રજાવળ, હણોલ, ખારો, શેત્રુંજી, માલપરા સહિતના તમામ ડેમોને નર્મદાના પાણીથી ભરવામા આવશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો, કેશુભાઈ નાકરાણી, શિવાભાઈ ગોહિલ, જિલ્લાના અગ્રણી મહેન્દ્રસિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ શિહોરા, ચીફ ઈજનેર રાવલ, એક્ઝીક્યુટીવ ઈજનેર આર.એમ. મકવાણા, એસ.જી.પટેલ, સિંચાઈ વિભાગના કર્મયોગીઓ તથા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.