ક્રિકેટના મેદાન ઉપર અમ્પાયર્સની ભૂમિકા એટલી જ મહત્વની હોય જેટલી ખેલાડીઓની. જોકે ઘણી વખત અમ્પાયર્સ એવા નિર્ણય આપે છે જેના કારણે ખેલાડી નારાજ થાય છે. અમ્પાયરના નિર્ણય સામે ખેલાડીઓ ઘણી વખત મેદાનમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. જોકે ન્યૂઝીલેન્ડ ક્લબ ક્રિકેટની એક મેચ દરમિયાન એવી ઘટના બની કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
રવિવારે ન્યૂઝીલેન્ડની ક્લબ પારાપારાઉમુ અને વેરારોઆ વચ્ચે મેચ રમાઈ રહી હતી. મેચ દરમિયાન પારાપારાઉમુનો એક ખેલાડી અમ્પાયરિંગ કરી રહ્યો હતો. મેચ દરમિયાન અમ્પાયરે વેરારોઆની ટીમના એક બેટ્સમેનને આઉટ આપ્યો હતો. જેના કારણે બેટ્સમેન ગુસ્સે ભરાયો હતો.
મેચ દરમિયાન હાજર રહેલા એક વ્યક્તિના મતે ગુસ્સે થયેલા બેટ્સમેને અમ્પાયર ઉપર હુમલો કર્યો હતો. તેણે અમ્પાયરને ત્રણ વખત કિક મારી હતી. જ્યારે બીજા ખેલાડીએ તેને મેદાન ઉપર પાડી દીધો હતો. પોતાના સાથીને માર ખાતો જોઈને પારાપારાઉમુના બીજા ખેલાડી ત્યાં પહોંચી ગયા હતા અને વિરોધી ટીમ વચ્ચેથી પોતાના સાથીને બહાર કાઢ્યો હતો.
એક બીજા વ્યક્તિએ વેરારોઆના ક્લબના ખેલાડીઓની ટિકા કરતા તેમના વ્યવહારને શરમજનક ગણાવ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું હતું કે મને લાગે છે કે જેને માર પડ્યો હતો તેનું નાક તુટી ગયું હતું. આમ છતા વેરારોઓના ખેલાડીઓએ તેને મારવાનું ચાલું રાખ્યું હતું.
આ ઘટનાના કારણે મેદાન ઉપર પોલીસ બોલાવવી પડી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પારાપારાઉમુ ક્લબના સીઈઓ ઓ બ્રાયને કહ્યું હતું કે આ ઘટનાથી તે ઘણા નિરાશ છે. ક્રિકેટના મેદાનમાં આવી ઘટના સહન કરી શકાય નહીં.