નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, ભાવનગર દ્વારા વર્ષોથી બાલોત્સવ શૈક્ષણિક પ્રદર્શન યોજાય છે. આ વર્ષે પણ ત્વારીખ શિર્ષક હેઠળ ત્રિ-દિવસીય બાલોત્સવનું આયોજન કરેલ છે. આ પ્રદર્શનનું આજરોજ ટ્રસ્ટના પ્રમુખ મહારાણીસાહેબ સમયુક્તાકુમારીના હસ્તે ઉદ્દઘાટન સાથે ખુલ્લું મુકવામાં આવેલ. આ ઉદ્દઘાટન પ્રસંગે ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપક મંડળના સભ્યો, કેમ્પસ ડાયરેક્ટર, શિક્ષણવિદો, દરેક વિભાગના આચાર્યો, વિદ્યાર્થીનીઓ તથા વાલીગણ વગેરે ઉપસ્થિત રહેલ.
આ બાલોત્સવમાં કુલ ૧૪ શૈક્ષણિક પ્રદર્શનો જેવા કે હમ્પી, ચોસઠ કલા, પિરામીડ, બ્રહ્મકુંડ, અકબરના નવ રત્નો, અંધશ્રધ્ધા, સાંઈબાબા, સોળ સંસ્કાર, મહાભારત-રામાયણના પાત્રો, ધર્મગુરૂઓ, જ્વાળામુખી, પ્રાચીન રોમન સંસ્કૃતિ, ઈલોરાની ગુફા, આદિવાસી સંસ્કૃતિ વગેરેનું જીવંત ચિત્ર વિદ્યાર્થીનીઓ તથા શિક્ષક મિત્રો દ્વારા તૈયાર કરવામાં આવેલ.
બાલોત્સવ દ્વારા હૃદય, મસ્તક અને હાથની કેળવણી સિધ્ધ થાય, વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ, કલા, કારીગરીનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીનીઓ જુદા-જુદા ધર્મો, સ્થાપત્યો, કલા, સંસ્કૃતિઓ અંગેની માહિતી પ્રાપ્ત કરે, વગેરેને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવેલ છે.