અમદાવાદમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ વચ્ચે માર્ચ મહિનામાં મેટ્રો દોડતી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે બીજી તરફ આજે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ૨૮.૫ કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો રેલ દોડાવવાના ફેઝ-૨ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરીની મહોર મારી દેવાઇ છે. રૂ.૫,૫૫૩ કરોડના ફેઝ-૨ પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજુરી અપાઇ છે. જેમાં મોટેરા થઇ છેક ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે.
એપીએમસીથી વાસણા અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચે મેટ્રો રેલના ફેઝ-૧ની કામગીરી ચાલી રહી છે જેમાં પૂર્વ વિસ્તારમાં એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર થઇ ચૂક્યો છે જેના ઉપર ટ્રાયલ રન પણ લેવાઇ ચૂક્યો છે. અગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ૬ કિ.મી.ના રૂટ ઉપર કોર્મર્શીયલ ધોરણે મેટ્રો શરૂ કરવાનું આયોજન છે. જ્યારે બીજી તરફ હવે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ફેઝ-૨ના મેટ્રો પ્રોજેક્ટને મંજુરી મળી ગઇ છે.
મેટ્રો-મેગા કંપનીના સુત્રો જણાવે છે કે, અમદાવાદ ગાંધીનગરના ફેઝ-૨માં મોટેરા, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસન, રાંદેસણ, ઇન્ફોસીટી, સેક્ટર-૧, સેક્ટર ૧૦એ, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર ૧૬ થઇ મહાત્મા મંદિર સુધીના ૨૮.૫ કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડાવવાનું આયોજન છે સાથે ગીફ્ટ સીટી અને પીડીપીયુને પણ મેટ્રોથી જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.