અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ મામલે અમને ઘણાં રિપોર્ટ મળ્યાં છે અને ટૂંક સમયમાં અમે આ મામલે અધિકૃત નિવેદન આપીશું. એ સાથે જ ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે ભારત અને પાકિસ્તાન આતંકવાદના મામલે એક થઇ જાય તો સારું. ટ્રમ્પે કહ્યું કે આ આતંકવાદી હુમલાના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને પણ ભારતનું સમર્થન કર્યું હતું. પુલવામા હુમલા બાદ બોલ્ટને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ સાથે ફોન પર વાત કરીને આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારતની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.
આ બધાની વચ્ચે અમેરિકન વિદેશ મંત્રાલયના ઉપપ્રવકતા રોબર્ટ પાલાડિનો એ ભારતના પ્રત્યે પૂરું સમર્થન વ્યકત કરતાં પાકિસ્તાનને કહ્યું છે કે આતંકી હુમલા માટે જે પણ જવાબદાર છે તેને સજા આપવામાં આવે. આત્મઘાતી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવની વચ્ચે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાની ઓફિસમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે દક્ષિણ એશિયાના બંને પાડોશી જો સાથે આવે તો સારું રહેશે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે મેં જોયું છે. મને આના પર ઘણા બધા રિપોર્ટ મળ્યા છે. અમે આ મામલે યોગ્ય સમય આવવા પર જવાબ આપીશું. આ આતંકી હુમલો એક ભયાનક સ્થિતિ હતી. અમને રિપોર્ટ મળી રહ્યો છે. અમે તેના પર એક નિવેદન રજૂ કરીશું.
એ સાથે જ અમેરિકાએ પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે પોતાની ધરતી પરથી સંચાલિત તમામ આતંકવાદી જૂથોને સમર્થન અને મદદ કરવાનું બંધ કરે. ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેનેથ આઇ જસ્ટરે કહ્યું હતું કે આતંકવાદી હુમલાના મૂળ સુધી પહોંચવા અમે ભારત સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.?
પુલવામા હુમલા પછી ફ્રાન્સ અને ઈઝરાઈલે પણ ખુલીને ભારતનો સાથ આપ્યો છે. તેઓ ભારતની દરેક રીતે મદદ કરવા તૈયાર છે. જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેરાત કરવા માટે ફ્રાન્સ આગામી થોડા દિવસમાં યુએનમાં પ્રસ્તાવ રજૂ કરશે. ફ્રાન્સ યુએનમાં બીજી વખત પ્રસ્તાવ રજૂ કરવાના છે. ફ્રાન્સ પાકિસ્તાનને ગ્રે લિસ્ટ દેશોમાં નાખવાની પણ શરૂઆત કરે તેવી શક્યતા છે. તે માટે ફ્રાન્સ એફએટીએફ જશે.