સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બનેલ બિટકોઈનને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ પ્રતિબંધિત ખાતા મામલે અમદાવાદ તથા ભાવનગર ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો મસમોટો કાફલો શહેરના એક અગ્રણી બિલ્ડરને ત્યાં તપાસ અર્થે દોડી આવતા સમગ્ર મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
લોકોમાં થતી ચર્ચા અનુસાર ઈ-કરન્સી સમાન બિટકોઈન ભારતમાં પ્રતિબંધ જાહેર કર્યો છે. આવા ખાતા ધરાવતા ખાતેદારો સામે આયકર વિભાગે તવાઈ બોલાવી છે ત્યારે ગતરાત્રે અમદાવાદ તથા ભાવનગર ઈન્કમટેક્સ વિભાગના અધિકારીગણએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેરના કાળીયાબીડ ખાતે રહેતા અને અગ્રહરોળના બિલ્ડર તરીકે નામચીન બનેલા પટેલ બિલ્ડરના નિવાસસ્થાને તથા ઓફિસ પર દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવેલ અને મોટી માત્રામાં દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કરી બિલ્ડરની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આ બિલ્ડરને લઈને ટીમ અમદાવાદ રવાના થઈ હતી. સમગ્ર તપાસ બિટકોઈનને લઈને હોવાનું જાણવા મળ્યું છે. આઈ.ટી. વિભાગે કરેલી રેડની જાણ અન્ય ધનવાનોને થતા તેઓ પોતાની માયા સંકેલવામાં લીન બન્યા હતા. આ અંગે તંત્રએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.