ભાવનગર જિલ્લાના સણોસરા ગામે રહેતા ભરતભાઈ મેઘાભાઈ ચાવડા (જાતે રબારી, રહે. વડીયા વિસ્તાર, રબારી વાસ, સણોસરા)એ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ભત્રીજો જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતાભાઈ સાબડ રબારી રહે. સણોસરા અને રિંકલ ભોપાભાઈ ખસીયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જીતેન્દ્ર તથા રીંકલ ગત તા.૭-૮-૨૦૧૫નાં રોજ સણોસરા ગામે આવેલ લોકભારતી સંસ્થાની પાછળ ખોડીયારધાર ડુંગર વિસ્તારમાં બંન્ને મળવા માટે ગયેલા તે બાબતની જાણ રિંકલના સગા સંબંધીઓ સંજય છગનભાી ખસીયા (ઉ.વ.૩૦), રવિ ભોપાભાઈ ખસીયા, વિજય ઉર્ફે નનો બાવચંદ ચાવડા, અંકુરભાઈ બાબુભાઈ ખસીયા નામના ચાર શખ્સો તથા રાજુભાઈ વલ્લભભાઈ ચાવડા (રહે. ઘેટીગામ પાલીતાણા), વિનુભાઈ ઉર્ફે લાલો મધાભાઈ જીંજરીયા કોળી (રહે. સુવાગઢ તા.લાઠી, અમરેલી) નામનો શખ્સોએ જીતુ અને રિંકલ ખોડીયાર ધાર ડુંગર વિસ્તારમાં મળવા ગયા હોવાની જાણ થતા ઉક્ત ચાર આરોપીઓએ એકબીજાના મેળાપણા કરી જીતેન્દ્રને મારી નાખવાનું પૂર્વ આયોજીત કાવતરૂ રચી, જીતેન્દ્ર તથા રિંકલને પકડી પાડેલ, આરોપીઓએ બંન્નેને ઝાપટો મારેલ તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ રતના રબારી ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા જીતુભાઈનું ઘટનાસ્તળે જ મોત નિપજ્યુ હતું. આરોપીઓએ બંન્ને મોબાઈલ ત્રણ કિંમત રૂા.૨ હજાર કાઢી લુટ કરેલ અને તમામ આરોપીઓ બાઈક લઈ નાસી છુટેલા અને મોબાઈલ ફોન તોડી નાખી ફેકી દઈ પુરાવાનો નાશ કરેલ અને પહેરેલ કપડા પણ બાળી નાખેલ તથા છરી પાણી ભરેલા નાળામાં નાખી દઈ જે તે સમયે પુરાવાનો નાશ કરેલ.
આ બનાવ અંગે મરણ જનાર જીતુભાઈના કાકા ભરતભાઈ મેઘાભાઈ ચાવડો જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત તમામ આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦૨, ૩૯૪, ૨૦૧, ૨૧૨, ૧૨૦(બી), ૩૪, મુજબનો ગુનો નોેંધીયો હતો. આ આ અંગેનો કેસ આજરોજ બુધવાર ભાવનગર સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે.ખાંભલીયાની દલીલો મૌખીક પુરાવા ૩૬, લેખીત દસ્તાવેજી પુરાવા ૫૦ વિગેરે ધ્યાને લઈ મુખ્ય આરોપી સંજય છગન ખસીયા, રવિ ભોપા ખસીયા, વિજય ઉર્ફે નનો બાવચંદ ચાવડા, અંકુર બાબુભાઈ ખસીયા સામે ગુનો સાબિત માની તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રૂા.૫૦૦૦નો દંડ ફટકારેલ જ્યારે આ કેસ ચાલતો હતો તે દરમ્યાન રાજુભાઈ વલ્લભભાઈ ચાવડાનું મોત નિપજ્યુ હતું. તેથી અદાલતે તેમને એબેટ જાહેર કર્યા હતા. જ્યારે આરોપી નં. ૬ વિનુભાઈ ઉર્ફે લાલો જીંજરીયાને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ જાહેર કર્યો હતો.