આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ના અનુસંધાને વિવિધ પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થતાં ચૂંટણીલક્ષી રાજકીય સમાચારો અને પેઈડ ન્યૂઝ પર દેખરેખ રાખવા માટે રચવામાં આવેલી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી- એમસીએમસીના રાજ્યભરના માહિતીખાતાના તમામ જિલ્લાઓના નોડલ ઓફિસરનો એક દિવસીય તાલીમ વર્ગ આજે ભાવનગરના વાઘાવાડી રોડ પરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી કમિશનર એસ.એમ. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો.
આ તાલીમમાં ઉપસ્થિત રાજ્યભરનાં માહિતીખાતાના નોડલ ઓફિસર્સને જરૂરી તાલીમ આપતાં નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર અને અધિક કલેકટર આર.એમ. પંડ્યાએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે વિવિધ રાજકીય પક્ષો દ્વારા અપાતી જાહેરાત તેમજ પેઇડ ન્યૂઝ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. આ માટે તેમણે નોલેજ, સ્કિલ અને એટિટ્યુડની જરૂરિયાત દર્શાવી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાહેરાત, પેઇડ ન્યૂઝ અને મતદાન જાગૃતિ સહિતની બાબતોની જાણકારી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે વિગતો આપતાં ભાવનગરના પ્રાંત અધિકારી યુ.એસ. શુક્લાએ દેશની ચૂંટણીપ્રણાલી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતાં આપણા દેશમાં કુલ ૯૨ કરોડ જેટલાં રજિસ્ટર્ડ મતદારો માટે ૬૭ લાખ ચૂંટણી કર્મચારીઓ દ્વારા ૧૦ લાખ બુથ પર ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવે છે.