તાપી જિલ્લાના વ્યારામાં વિશ્વ માતૃભાષા દિન અને આદિવાસી માતૃભાષા વર્ષ-૨૦૧૯ના કાર્યક્રમમાં ચૌધરી ભાષાના વ્યાકરણ ગ્રંથના વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયપાલ કોહલીએ ભાષા અને બોલીઓના માનવ સંસ્કૃતિના વિકાસમાં યોગદાન અંગે સમજ આપવાની સાથે સાથે લુપ્ત થતી ભાષા-બોલીઓ વિષે ચિંતા પ્રગટ કરી હતી. તેમણે દેશના હિતમાં આદિવાસી સમાજની આ ભાષા અને બોલીઓનું જતન અને સંવર્ધન થાય એ માટે નક્કર પગલા લેવામાં આવે એ જરૂરી છે એમ જણાવ્યું હતું. રાજ્યપાલે આદિવાસી સમાજની ભાષાઓ અને બોલીઓ માત્ર ભારતમાં જ નહિં પણ સમગ્ર વિશ્વમાંથી લુપ્ત થતી જાય છે એના માટે સંયુકત રાષ્ટ્ર સંઘ પણ ચિંતિત છે માટે જ સંયુકત રાષ્ટ્ર સંઘે ૨૦૧૯ના વર્ષને વિશ્વ આદિવાસી ભાષા વર્ષ જાહેર કર્યું છે. લુપ્ત થતી આદિવાસીઓની ભાષા અને બોલીઓનું જતન અને સંવર્ધન થાય એ માટે જાગૃતિ લાવવા માટે સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ સમુદાયની પોતાની આગવી પરંપરાઓ અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે. આજે આદિવાસી સમુદાયના બાળકો જે રીતે સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે એ અન્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.