મા નો કોઈ વિકલ્પ નથી, મા ના દૂધ નો કોઈ વિકલ્પ નથી એમ માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિશ્વ માતૃભાષા દિવસ પ્રસંગે સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતાં આમ કહ્યું હતું.
વિધાનસભા ગૃહમાં આજના દિવસની કામગીરીના આરંભે જ એમણે કહ્યું હતું કે, અન્ય કોઈ પણ ભાષા શીખીએ પહેલાં માતૃભાષા તો શીખવી જ જોઈએ. ગુજરાત સરકારે ગત વર્ષે ખાસ બિલ પસાર કરીને પ્રાથમિક કક્ષાએ ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કર્યું છે.
વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના કાર્યક્રમો થઈ રહ્યા છે એટલે જનજાગૃતિ પણ વધી રહી છે, એમ કહીને શ્રી ચુડાસમાએ વિધાનસભાના સભ્યો અને ગુજરાતી ભાઈ-બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.
કોંગ્રેસના સભ્ય પુંજાભાઈ વંશે પણ સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા તેના મૂળ સ્વરૂપે કાયમ માટે જળવાઈ રહે એ જરૂરી છે. આપણે સહુ આ માટે સહિયારા પ્રયાસો કરીએ.