આજથી ગુજરાત એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ આજે હડતાળ પર ઉતરતા રાજયભરના લાખો મુસાફરો રઝળી પડયા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓ, બિમાર-દર્દીઓ અને નોકરી-ધંધાવાળા લોકો સૌથી વધુ હાલાકીનો ભોગ બન્યા હતા. રાજયભરના મુસાફરોની કફોડી હાલત અને દયનીય પરિસ્થિતિ જોઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટી કર્મચારીઓને હડતાળ સમેટી લેવા નમ્ર અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, રાજયના નિર્દોષ લોકો-પ્રજાજનો આ હડતાળના કારણે ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે ત્યારે એસટી નિગમના કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લેવી જોઇએ. જો કે, એસટી કર્મચારી યુનિયન તરફથી મુખ્યમંત્રી તરફથી કરાયેલી આ વિનંતીને ફગાવી દેવાઇ હતી અને જણાવ્યું હતું કે, પહેલાં કર્મચારીની પડતર માંગણીઓનું નિરાકરણ લાવો, પછી બીજી વાત. જેને લઇ હવે સમગ્ર મામલો ગરમાયો છે. જો કે, રાજય સરકાર તરફથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાતમા પગાર પંચ મુદ્દે યુનિયનના હોદ્દેદારો સાથે બેઠક અને ચર્ચા કરવાની હૈયાધારણ પણ ઉચ્ચારી છે. જો કે, તેમછતાં યુનિયને તેની હડતાળ ચાલુ રાખી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન બાદ એસટી કર્મચારીઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં એસટીના તમામ યુનિયનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં જયાં સુધી કર્મચારીઓની માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી હડતાળ પાછી નહી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર જ્યા સુધી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત્ રાખવામાં આવશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં એસટી કર્મચારીઓ ગાંધીનગર તરફ કૂચ કરે તેવી તૈયારી પણ કરી દેવાઇ છે. સમગ્ર હડતાળ મામલે નિર્દોષ પ્રજાજનોનો ખાસ કરીને ગામડાની પ્રજાનો મરો થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમને નુકસાન થતું હોય એના પગાર માટે કર્મચારીઓને તંત્રે સાથે મળી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ. રાજ્યભરમાં એસટી બસના કર્મચારીઓની હડતાળથી ગુજરાતના લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. પબ્લિક યુટિલિટી અને સેવાને મોટી અસર થઈ છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને વિનંતી કરું છું કે હડતાળ પાછી ખેંચી લે. સરકારે દરેક સમયે રસ્તા કાઢ્યા છે. આ મામલે પણ સરકાર સમાધાનકારી નિર્ણય લેશે.