એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં આજે જોધપુરની કોર્ટે જાતે બની બેઠેલા ગોડમેન આસારામની જામીન અરજીને ફગાવી દીધી હતી. આસારામને જોધપુર નજીક તેમના આશ્રમમાં માસુમ બાળકી પર બળાત્કાર કરવાના મામલામાં અપરાધી ઠેરવીને સજા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યુ હતુ. આસારામને દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. ૭૭ વર્ષીય આસારામના પુત્ર નારાયણ સાંઇને પણ તેના પિતાની સાથે જ અન્ય એક યુવતિ પર રેપના મામલામાં અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. આના માટેનો કેસ સુરતમાં પણ દાખલ કરવામા ંઆવ્યો હતો. આસારામ દ્વારા વિશ્વભરમાં ૪૦૦ આશ્રમની ચેઇન ચલાવવામાં આવે છે.
વર્ષ ૨૦૦૨ અને ૨૦૦૪ વચ્ચેના ગાળામાં સુરતમાં બે બહેનો પર રેપના મામલામાં પણ આસારામ આરોપી છે. ઘૃણાસ્પદ કૃત્ય માટે આજીવન કારાવાસની સજા જેલમાં ભોગવી રહેલા આસારામે અનેક વખત જામીન માટે અરજી કરી છે. જો કે દરેક વખત તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. વધુમાં જોધપુરમાં આસારામના ટ્રાયલ દરમિયાન કુલ નવ સાક્ષી પર હુમલા કરવામાં આવી ચુક્યા છે. તેમની સામે જુબાની આપનાર સાક્ષીઓ પર હુમલા કરવાના રેકોર્ડ રહ્યા છે. ટ્રાયલ દરમિયામ ત્રણ ચાવીરૂપ સાક્ષીના મોત થયા હતા. આજ કારણસર આસારામને જામીન આપવાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. સાક્ષીઓ અને તેમના પરિવારના સભ્યોને સુરક્ષા પુરી પાડવાનો નિર્ણય પણ કરવામાં આવી ચુક્યો છે. આસારામની હાલત હાલમાં કફોડી બનેલી છે. જામીન અરજીને લઇને આસારામ દ્વારા કરવામાં આવેલી તમામ દલીલોને વારંવાર અસ્વીકાર કરવામાં આવી ચુકી છે. નવ સાક્ષીઓ ઉપર હુમલા અને ત્રણ ચાવીરુપ સાક્ષીઓના મોતને લઇને કાયદો અને વ્યવસ્થા ઉપર નજર રાખનાર તંત્ર દ્વારા પણ રજૂઆતો કરાઈ છે.