નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા એક સપ્તાહ પછી જ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે એક નવો ઓડિયો જાહેર કર્યો છે. નવા ઓડિયોમાં મસૂદ અઝહરે પુલવામા હુમલામાં હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. એટલે સુધી કે તેણે દાવો કર્યો છે કે, તે કદી પુલવામા એટેકનો આત્મઘાતી આતંકી આદિલ અહમદ ડારને મળ્યો નથી. આ ઓડિયોમાં તેણે પાક. સરકાર અને મીડિયાને ડરપોક ગણાવ્યું છે. નોંધનીય છે કે, આ હુમલાના દિવસે જ જૈશે તેની જવાબદારી લીધી હતી પરંતુ હવે તે તેમની વાતથી પલટી મારી રહ્યા છે. ઓડિયોમાં મસૂદ અઝહરે કહ્યું છે કે, પુલવામા હુમલાથી ભારતના પીએમ મોદીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નુકસાન થશે. ઓડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ પાક.ને કોઈ પણ પ્રકારના યુદ્ધમાં ધકેલવા નથી માગતા અને ચીન પાક.નું જ સમર્થન કરશે. તે માટે ગભરાવવાની બિલકૂલ જરૂર નથી. ઓડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મોદી કાશ્મીરમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે. પુલવામા આતંકી હુમલા પછી સમગ્ર દુનિયામાં ઘેરાયેલી પાકિસ્તાન સરકારને મસૂદ અઝહર ડરપોક ગણાવી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાની મીડિયા અને સરકાર બંને ડરેલી છે. આ ઓડિયોમાં મસૂદ અઝહરે આદિલ અહમદ ડારનું નામ પણ આપ્યું છે અને કહ્યું છે કે, આદિલે જ પુલવામા હુમલો કર્યો હતો અને પોતાની ગાડી લઈને સીઆરપીએફના કાફલામાં ઘૂસ્યો હતો.
ઓડિયોમાં મસૂદ અઝહરે કહ્યું, ’જેટલી ગાળો આપવી હોય એટલી આપો પરંતુ આદિલ અહમદ વિરુદ્ધ કશું જ ન કહેશો. કાશ્મીરમાં આઝાદીની લડાઈ હવે શરૂ થઈ ચૂકી છે. અહીં હવે કોઈ વિદેશી તાકાતની જરૂર નથી.’ ઓડિયોમાં મસૂદ અઝહરે આદિલ સાથે સંબંધ હોવાની વાત નકારી છે. તેણે કહ્યું કે, સમગ્ર દુનિયા આદિલને મારી સાથે જોડી રહી છે, પરંતુ મારી ઈચ્છા છે કે કાશ હું એને એક વખત મળી શક્યો હોત. જો આદિલના કારણે મને હવે મારી નાખવામાં આવે તો પણ મને કોઈ દુખ નથી. તે મારા માટે શહીદી ગણાશે.