પુલવામામાં સીઆરપીએફ કૉનવોય પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (સ્હ્લદ્ગ)નો દરજ્જો છીનવી લીધો હતો. ત્યારબાદ અહીંથી આવતા સામાન પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૨૦૦ ટકા સુધી વધારી દીધી હતી. સરકારનું આગામી પગલું પાકિસ્તાનની અને તેના તરફ જતી નદીઓનું પાણી અટકાવવાનું છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ઉત્તરપ્રદેશના બાગપતમાં તેની જાહેરાત કરી.
ગડકરીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અમારી સરકારે પાકિસ્તાનની અને તેના તરફ જતા પાણીને અટકાવવાનો નિર્ણય કર્યો છે. અમે પૂર્વ નદીઓનું પાણી ડાયવર્ટ કરીશું. આ પાણીને જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં રહેતા લોકોને ઉપલબ્ધ કરાવીશું. સિંધુ જળ સંધિ હેઠળ રાવી, વ્યાસ અને સતલજને પૂર્વ અને ઝેલમ, ચિનાબ અને સિંધુને પશ્ચિમ નદીઓ તરીકે વહેંચવામાં આવી હતી.
યુમના પ્લાન્ટના શિલાન્યાસ દરમિયાન જાહેરાત
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અહીં બાલૈની સ્થિત મેરઠ બાયપાસથી હરિયાણા બોર્ડર સુધી ડબલ લેન હાઇવે અને બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ કરવા આવ્યા હતા. તેઓએ કહ્યું કે, સડકોની સાથે સાથે જળમાર્ગ ઉપર પણ સરકાર કામ કરી રહી છે. પાણીની ઉણપ ના રહે તે માટે ભારતના અધિકારવાળી ત્રણ નદીઓનું પાણી જે પાકિસ્તાન જાય છે, તેનો રસ્તો બદલીને યમુનામાં લાવવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, ત્રણ નદીઓનું પાણી અટકાવીને યમુનામાં લાવવામાં આવશે, આવું થવાથી પાકિસ્તાન બૂંદ-બૂંદ પાણી માટે તરસશે. આતંકની ખેતી કરનાર પાકિસ્તાનમાં દુષ્કાળ આવશે. આ માટે પ્રોજેક્ટ તૈયાર છે. દિલ્હી આગ્રાથી ઇટાવા સુધી જળમાર્ગની ડીપીઆર પણ તૈયાર થઇ ચૂક્યું છે. બાગપતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. પાણીની ઉણપ દૂર થવાથી ખેડૂતો પોતાની ખેતી ચક્ર બદલે ખાંડની મિલો શેરડીના રસથી એન્થોલ બનાવે તો રોજગાર અને આવકમાં વધારો થશે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના લોકો દિલ્હીથી આગ્રા જળમાર્ગથી જઇ શકશે. આ માટે બાગપતમાં યમુના કિનારે રિવર પોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. અહીંથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી ખાંડ મોકલવામાં આવશે, તેમાં ખર્ચ ઓછો થશે.
ગડકરીએ કહ્યું કે, પ્રયાગરાજથી વારાણસી સુધી જળમાર્ગ તૈયાર છે. યમુના જળમાર્ગ અંગે ગડકરીએ કહ્યું કે, રશિયાથી એક બોટ મંગાવવામાં આવી રહી છે, જેમાં ૧૪ લોકો બેસી શકે છે. તેની સ્પીડ ૮૦ કિમી/કલાક છે. આગામી મહિને આ બોટમાં વારાણસીથી પ્રયાગરાજ સુધીની મુસાફરી પૂર્ણ કરી શકાશે.
શું છે સિંધુ જળ સંધિ?
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ સિંધુ જળ સંધિ થઇ હતી. ભારત તરફથી પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન અયૂબ ખાને તેના પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોની વચ્ચે આ સંધિ વિશ્વ બેંકના હસ્તક્ષેપથી થઇ હતી. જે હેઠળ સિંધુ નદી ઘાટીની ૬ નદીઓને પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચવામાં આવી. તે અનુસાર, રાવી, વ્યાસ અને સતલજ પર સંપુર્ણ રીતે ભારતનો અને ઝેલમ, ચિનાબ અને સિંધુ પર પાકિસ્તાનનો હક્ક બનશે. સમજૂતી હેઠળ ભારતને વિજળી બનાવવા અને કૃષિ કાર્યો માટે પશ્ચિમ નદીઓના પાણીના ઉપયોગના પણ કેટલાંક સીમિત અધિકારો આપવામાં આવ્યા. બંને પક્ષોની વચ્ચે વિવાદ થવા અને પરસ્પર વિચાર-વિમર્શ બાદ પણ તેનો ઉકેલ નહીં આવવાની સ્થિતિમાં કોઇ તટસ્થ નિષ્ણાતની મદદ લેવા અથવા કોર્ટ ઓફ ઓર્બિટ્રેશનમાં જવાની જોગવાઇ કરવામાં આવી છે.