સામાન્ય નાગરિકોમાં તમાકુના સેવનથી થતા શારીરિક નુકસાન તેમજ જાહેર સ્થળો પર તમાકુના ઉત્પાદનોના ઉપયોગ અંગેના દંડાત્મક કાનૂની નિયમોની માહિતી આપવા માટે ભાવનગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લાના પત્રકારો માટે જિલ્લા પંચાયત કચેરીના સભાગૃહ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. વર્કશોપના પ્રારંભે જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસર એ.કે. તાવિયાડે તમાકુના સેવનથી થતી બીમારીઓ અને નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ અન્વયે તમાકુના જાહેર ઉપયોગ અંગેની દંડાત્મક જોગવાઇઓની સમજ આપી તમાકુની બનાવટોથી દૂર રહેવા અપીલ કરી હતી.
આ અંગે આંકડાકીય વિગતો આપતા જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિના ચેરમેન ડૉ. પી.એ. પઠાણે જણાવ્યું હતું કે, તમાકુના સેવનથી વિશ્વમાં દરરોજ ૨૭૦૦ લોકો અને વર્ષે ૫૦ લાખ લોકો હૃદય, ફેફસાં કે કેન્સર જેવી ગંભીર બીમારીઓથી મૃત્યુ પામે છે. આ માટે તેમણે સ્લાઇડ શોના માધ્યમથી તમાકુ અને તમાકુની બનાવટોથી થતાં વિવિધ રોગ, તમાકુ વ્યસનના પ્રકાર અને તમાકુના સેવનના કારણે શરીરનાં વિવિધ અવયવો પર પડતી નકારાત્મક અસરો વિશે સમજ આપી, જિલ્લામાં તમાકુના જાહેર ઉપયોગ અને વેચાણ સંદર્ભે કરવામાં આવેલા દંડની વિગતો જાહેર કરી હતી. આ સાથે તેમણે સિઝનલ ફલૂ માટે જરૂરી તકેદારીની માહિતી પણ આપી હતી.