પડતર માગણીઓ અને ૭માં પગારપંચ મુદ્દે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ સંદર્ભે ગઈકાલે સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમ નુકસાન કરતું હોય એને પગારપંચનો લાભ આપતા નથી. જેને લઈ કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ટિ્વટ કર્યું છે કે, સરકારી કર્મચારીને રૂપાણી જી તમે કહો છો કે નિગમ નુકશાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવું દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતાં તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગારપંચનો લાભ કેમ લીધો? નિગમનો વહીવટ તમે કરો છો. ખોટ માટે તમે જ છો જવાબદાર.
ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૨.૧૭ લાખ કરોડ થયું છે, જે રાજ્યના કુલ બજેટની સમકક્ષ આવી ગયું છે. એટલું જ નહીં, સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વિધાનસભામાં રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે માર્ચ-૨૦૧૮ની સ્થિતિએ જાહેર દેવું ૨,૧૭,૩૩૮ કરોડ રૂપિયા થાય છે.
સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજ્યના ધારાસભ્યોના પગાર ૭૦,૭૨૭થી વધારીને ૧,૧૬,૩૧૬ અને મંત્રીઓના પગારમાં ૪૫ હજારનો વધારો કરી ૮૭માંથી ૧ લાખ ૩૨ હજાર કરવામાં આવ્યો છે. આમ પગારમાં ૬૫ ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો.