ગુજરાત એસટી નિગમના ૪૫ હજાર કર્મચારી સાતમાં પગાર પંચનો લાભ સહિત અન્ય પડતર માગણીઓ સાથે ગુરુવારે એક દિવસની માસ સીએલ પર હતા. દરમિયાન કર્મચારીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવવાના બદલે મુખ્યમંત્રીએ ગુરુવારે સવારે વિવાદાસ્પદ નિવેદન આપતા કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો હતો. આ હડતાળને પગલે રાજ્યના ૨૪ લાખ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સંકલન સમિતિના અગ્રણીઓ ઇન્દુભા જાડેજા, સતુભા ગોહિલ, વી.આર.વાછાણી તેમજ ધીરેન્દ્રસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, કર્મચારીઓ પોતાના હક માટે હડતાલ પર છે. સરકાર જો વહેલીતકે કર્મચારીઓની માગણી નહીં સંતોષે તો ગાંધીનગર કૂચ જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
ટ્રાફિક વિભાગના સંયુકત પોલીસ કમિશનર જે. આર.મોથલિયાએ આ અંગે જણાવ્યું હતું કે, જયાં સુધી એસટી કર્મચારીઓની હડતાળ સમાપ્ત ન થાય ત્યાં સુધી ખાનગી બસો મુકવામાં આવશે. શહેરના જુદાજુદા વિસ્તારોમાં ખાનગી બસો મૂકવામાં આવી છે. ખાસ કિસ્સામાં હેવી પેસેન્જર વાહનોને શહેરમાં પ્રવેશવાની પણ છુટછાટ આપવામાં આવે છે.
વડોદરામાં એસટીના કર્મચારીઓએ માનવ સાંકળ બનાવી ખાનગી વાહનોને ડેપોમાં આવતા અટકાવ્યા છે. સુરતમાં પણ કર્મચારીઓ રોડ પર સૂઈ ગયા હતા તો ગોધરા ડેપોમાં કેટલાક કર્મચારીઓની ધરપકડ કરાતા ઘર્ષણ થયું હતું.
અમદાવાદમાં એક જ દિવસમાં ૧૮ મળી રાજ્યભરમાં ૨૦૦થી વધુ બસો લગ્નમાં જાનૈયાઓને લઈ જવા માટે બુક થઈ હતી. પરંતુ એસટી કર્મચારીઓની હડતાળના કારણે આ તમામ બસો રદ થતા જાનૈયાઓ અટવાઈ ગયા હતા.
એસટી કર્મચારીઓની હડતાળ લાંબી ચાલતા એસટીની મહિલા કર્મચારીઓએ એસટી ડેપોમાં જ રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને તમામ કર્મીઓ ત્યાં જ જમ્યા હતા