શિક્ષકો અને એસટી કર્મીઓનાં વિરોધને નાથવા માટે રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી છે. જેમાં નીતિન પટેલની સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી ફળદુનો સમાવેશ થાય છે. આ કમિટીએ પ્રાથમિક શિક્ષકોનાં નેતાઓ સાથે વાતચીત કર્યા પછી તેમની હડતાળ સમેટાઇ ગઇ છે. સરકારે તેમની માંગણી સંતોષવાની ખાતરી આપી છે. મહત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ સંઘનાં નેતા દિગ્વિજયસિંહ જાડેજાએ બેઠક બાદ ઝ્રન્ અને હડતાળનો કાર્યક્રમ પરત ખેંચ્યો છે.
પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ તેમને નિવેદન આપ્યું છે કે, ’સરકારે અમને ખાતરી આપી છે કે બધા પ્રશ્નોનો ઉકેલ આવશે. સરકાર સકારાત્મક છે.’
આ પહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ’આ મુદ્દે સરકાર સકારાત્મક છે. કોઇપણ માંગનો તરત જ ઉકેલ ન આવે. થોડા સમય માટે ધીરજ રાખવી જોઇએ. ફરીથી બેસીશું આ વાત પર ચર્ચા કરીશું. સરકારનું હંમેશા વલણ રહ્યું છે કે કોઇપણ મુદ્દે સંઘર્ષથી નહીં પરંતુ સંવાદથી વાત કરવી જોઇએ. આ લોકો સાથે બેસીને યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ આપણે લાવીશું. સાતમાં પગાર પંચ, નવા શિક્ષકોને નિવૃતી લાભ અને શિક્ષણ સિવાય અન્ય કામો જવાબદારી જેવા મુદ્દાઓને લઈ ૨.૧૫ લાખ સરકારી શાળાના શિક્ષકો સામુહિક રજા મુકી હડતાળ પર ઉતર્યા હતા. લગભગ ૨૫ હજારથી વધુ શિક્ષકોએ સવારથી ગાંધીનગરને બાનમાં લીધું હતુ. આ સાથે વિધાનસભાનો ઘેરાવ પણ કર્યો હતો. લગભગ ૨ હજારથી વધારે શિક્ષકોની અટકાયત કરી હતી. નોંધનીય છે કે આજે સવારથી ગાંધીનગરમાં રાજ્ય ભરમાંથી શિક્ષકોનાં આવવાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. સવારથી જ પોલીસ પણ વિવિધ શહેરોમાંથી શિક્ષકોને ગાંધીનગર આવતા અટકાવવા માટે તેમની અટકાયત કરી રહી હતી. સવારથી વિવિધ જગ્યાએથી આશરે ૧૦૦૦ જેટલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં સવારથી જ પોલીસનો મસમોટો કાફલો પણ સઘન સુરક્ષા માટે તહેનાત કરી દીધો હતો.
સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ
રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સહિતના હોદ્દેદારો સાથે રાજયના શિક્ષણમંત્રી સહિતના સરકારના પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં સરકાર તરફથી આ સમગ્ર મામલે ત્રણ સભ્યોની કમીટી બનાવી શિક્ષકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાની હૈયાધારણ અપાતાં શિક્ષક સંઘના હોદ્દેદારોએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.