વડોદરા શહેરમાં આજે સ્વાતંત્ર્ય સેનાની અને મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની ૧૨૭મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જાણીતા કથાકાર મોરારી બાપુએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પુલવામાની ઘટના પછી કરેલા પ્રવચનોમાં જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલાનો જવાબ આપવામાં આવશે.
જેથી હવે દેશની ૧૩૦ કરોડની જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને આતંકવાદીઓને જવાબ આપવાનો સમય પાકી ગયો છે.
કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાની ઘટના તમામ દ્રષ્ટીકોણથી નિંદનીય છે. પુલવામામાં ૪૦ જવાનોની આંખો મિચાઇ ગઇ છે. પરંતુ, તેની સાથે દેશની ૧૩૦ કરોડની જનતાની આંખો હવે ખુલી ગઇ છે. પહેલાના સમયમાં થઇ ગયેલા મહાત્મા ગાંધી, ઇન્દુચાચા, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા નેતા ઊંચુ માથુ રાખતા હતા. પરંતુ તેઓના પગ જમીન ઉપર રહેતા હતા. વર્તમાન સમાજના નેતાઓને તેમની સમકક્ષ આવવું હોય તો ભલે માથું ઊંચુ રાખે. પરંતુ તેમના પગ પાતાળમાં રાખવા જોઇએ. તો જ છેવાડાના માનવી સુધી તેઓ કામ કરી શકશે.