સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, જિલ્લા પંચાયત રાજકોટ, તાલુકા પંચાયત લોધિકા, ગ્રામ પંચાયત નગરપીપળીયાના સહયોગથી શ્રી જે. એચ. ભાલોડિયા વિમેન્સ કોલેજ ઉપક્રમે રાષ્ટ્રીય સેવા યોજનાનો શ્રમ, આરોગ્ય, સફાઈ, ગ્રામજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ગ્રામજનો જનસમાજ, છાત્રાઓમાં અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં માનસિક રોગો, માનવીનું અસામાન્ય વર્તન સંબંધી ભિન્ન વિચારો – ભ્રમણાઓ સંબંધી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દેશમાં શારીરિક રોગો વિશે જાગૃતિ જોવા મળે છે ત્યારે માનસિક રોગો વિશે અજ્ઞાનતા સાથે અંધશ્રધ્ધા, ભૂત, પ્રેત, વળગાડ, છાયો વગેરે ભિન્ન માન્યતા જોવા મળે છે તેના દાખલા આપવામાં આવ્યા હતા.
જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનો સંબોધતા જણાવ્યું કે ભારતમાં માનસિક રોગો વિશે તદ્દન ભિન્ન વિચારો – ભ્રમણાઓ જોવા મળે છે તેમાં આપણી અજ્ઞાનતા ઉપર પ્રકાશ પાડયો હતો. લોકો શારીરિક રોગો – તકલીફો વિશે જાગૃત છે. જયારે માનસિક રોગો વિશે તદ્દન જુના વિચારો બતાવી ભુવા, ભારાડી, મુંજાવરો, અવૈજ્ઞાનિક ઉપચાર કરતા જોવા મળે છે તેનું દુઃખ વ્યકત કર્યુ હતું. આપણા દેશમાં માનસિક અવસ્થાઓ, માનસિક રોગો વિશે સામાન્ય પ્રજા તો સાવ અજ્ઞાત-અજ્ઞાન છે. માનવીનું અસામાન્ય વર્તનમાં કશું જ બહારનું છે તેવી માન્યતા રાખી ખોટા ઉપચાર કરે છે. માનસિક દર્દીને અસહ્ય પીડા, માર મારવામાં આવે છે. કાયમી અપંગ બનાવી મૃત્યુની સમિપ લાવે છે તેમાં જાગૃતિનું કામ જાથા દાયકાઓથી કરે છે. અમુક કટાર લેખકો ભૂત-પ્રેત, ડાકણના વિચિત્ર કિસ્સાઓ રજૂ કરી અગોચરની વાત મૂકી અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરે છે તેની ઝાટકણી કાઢી હતી. અમુક લેખકો પોતે જ અંધશ્રધ્ધાળુ હોવાના કારણે ખોટા વિચારો – ભ્રમણા ફેલાવે છે. રાજય – કેન્દ્ર સરકાર વૈજ્ઞાનિક મિજાજ – અભિગમ કેળવવામાં ઓરમાયુ વર્તન રાખે છે. તેનાથી અંધશ્રધ્ધાનો વ્યાપ વધે છે.