ગત વર્ષે કંપનીના દૂધ ઉત્પાદક સભ્યોને તેમણે કંપનીમાં ભરાવેલ દૂધ સામે આશરે ૧૧૦૦ કરોડ જેટલી રકમ સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં ચૂકવવામાં આવી છે. બીજી કોઇ કંપની ભાગ્યે જ આટલી માતબર રકમ સીધી ચૂકવતી હશે તેમ તળાજા તાલુકાના કોડીયા તથા મોટા ઘાણા ગામમાં મેમ્બર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત કંપનીના સભ્યોને સંબોધન કરતા માહી મિલ્ક પ્રોડ્્યૂસર કંપનીના સીઇઓ વાય.એમ.પટેલે જણાવ્યુ હતું.
માહી કંપની દ્વારા તાજેતરમાં તેના દૂધ ઉત્પાદક સભ્યોને ૩૧.૧૧ કરોડ રૂપિયાનું ઇન્સેન્ટીવ ચૂકવવામાં આવતા કંપનીના સૌરાષ્ટ્ર-કચ્છના દૂધ ઉત્પાદક સભ્યોમાં હરખની હેલી છવાઇ છે તળાજા તાલુકાના કોડીયા, નાના ઘાણા, મોટા ઘાણા, પાદરી ભમ્મર, લીલી વાવ ગામોના દૂધ ઉત્પાદક સભ્યો માટે આયોજિત કરાયેલા મેમ્બર અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત કંપનીમાં વધુ દૂધ ભરી વધુ પ્રોત્સાહનની રકમ મેળવનાર પ્રથમ ત્રણ દૂધ ઉત્પાદક સભ્યોનું સન્માન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં કંપનીના અધિકારીઓ અને દૂધ ઉત્પાદક સભ્યોએ પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે કંપનીના સીઇઓ વાય.એમ.પટેલે જણાવ્યુ હતું કે, આપણી કંપની વહીવટી ખર્ચ પર નિયંત્રણ રાખી તેના દૂધ ઉત્પાદક સભ્યોને ૧૦૦ રૂપિયાની આવકમાંથી ૮૪ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે ડેપ્યુટી સીઇઓ ડો. સંજય ગોવાણીએ દૂધ ઉત્પાદક સભ્યોને પશુપાલન વ્યવસાયમાં બ્રીડિંગ, ફીડિંગ અને યોગ્ય મેનેજમેન્ટ દ્વારા ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે તેમ જણાવી દૂધ ઉત્પાદકોને પશુપાલન માટે વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદક સભ્યોને ચાલુ વર્ષે ચૂકવવામાં આવેલા ઇન્સેન્ટીવના ૩૧.૧૧ કરોડ રૂપિયા પૈકી ભાવનગર જિલ્લાના ૧૧,૬૬૭ દૂધ ઉત્પાદક સભ્યોને કુલ રૂપિયા ૪.૩૨ કરોડનું ચૂકવણું કરવામાં આવ્યુ છે.
કંપનીમાં વધુ દૂધ ભરી વધુ ઇન્સેન્ટીવ મેળવનાર કોડીયા એમપીપીના પ્રથમ ત્રણ દૂધ ઉત્પાદક સભ્યો ખાટાભાઇ કાળાભાઇ ભમર, કાનાભાઇ નાથુભાઇ ભાદરકા તથા માયાભાઇ રાહાભાઇ ભાદરકા તેમજ નાના ઘાણાના મુક્તાબેન જીવણભાઇ પોરીયા, હંસાબેન ધીરુભાઇ પોરીયા તથા લક્ષ્મીબેન જીવણભાઇ પોરીયાનું સીઇઓ અને ડેપ્યુટી સીઇઓના હસ્તે આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં કંપનીના સીઇઓ વાય.એમ.પટેલ, ડેપ્યુટી સીઇઓ ડો.સંજય ગોવાણી, જ્ઞાનેન્દ્ર વર્મા, ડો.વસંત કાલરીયા, અશ્વિન વાઢેલ, રાજ જીવાણી, ડો. શાંતિલાલ રાંક, કંપનીના પીઆઇબી અને પ્રોક્યોરમેન્ટ વિભાગના કર્મચારીઓ, ગામના સહાયકો તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.