ભારતની સ્ટાર શૂટર અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હીમાં ચાલી રહેલા શૂટિંગ વિશ્વકપમાં મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અપૂર્વીએ શનિવારે ફાઇનલમાં ૨૫૨.૯ પોઈન્ટ મેળવ્યા જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. આ સાથે તે અંજલી ભાગવત બાદ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની ગઈ છે. આ ચંદેલાનો વિશ્વકપમાં ત્રીજો મેડલ છે. તેણે આ પહેલા ૨૦૧૫માં ચૈંગવોનમાં યોજાયેલા આઈએસએસએફ વિશ્વકપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૦૧૪માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને ૨૦૧૮ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં જકાર્તા એશિયન ગેમ્સમાં તેણે રવિ કુમારની સાથે મળીને મિક્સ્ડ ટીમ ઈવેન્ટ ૧૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં તેણે અને અંજુમ મોદગિલે ૨૦૨૦ ટોક્ટો ઓલમ્પિક માટે શૂટિંગની ટિકિટ મેળવી હતી. તેમાં તે ક્રમશઃ ચોથા અને બીજા સ્થાને રહી હતી. તોઈપણ ઈવેન્ટમાં વધુમાં વધુ બે ઓલમ્પિક ટિકિટ હાસિલ કરી શકાય છે. ભારતે આ ઈવેન્ટમાં પોતાની બંન્ને ટિકિટ હાસિલ કરી લીધી છે. પરંતુ ઓલમ્પિકમાં ભારતની પાસે કોઈ અન્ય શૂટરને મોકલવાની તક હશે.
આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં તે ચોથા સ્થાને રહી હતી. તેણે ૬૨૯.૩ પોઈન્ટ મેળવ્યા હતા. સિંગાપુરની હો જી યી (૬૨૯.૫) અને ચીનની જૂ યિંગઝી (૬૩૦.૮) અને જાઓ રૂઝૂ (૬૩૮.૦) પ્રથમ સ્થાને રહી હતી. રૂઝૂએ ક્વોલિફિકેશનમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રાઉન્ડમાંથી કુલ ૮ શૂટરો ફાઇનલમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાં અન્ય ભારતીય શૂટર મોદગિલ અને એલવેનિલ વલારિયન ક્રમશઃ ૧૨માં અને ૩૦માં સ્થાને રહ્યાં હતા.