અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાપ ન દેખાતા લોકોને ઠંડા પવનોનો અનુભવ થયો હતો. આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટાભાગે પારો ગગડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ દેખાઈ રહી છે.
ગુજરાતના જુદા જુદા વિસ્તાર અને સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહી શકે છે. આજે અમદાવાદમાં પારો ૧૪ ડિગ્રી રહ્યો હતો. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૨થી ૧૫ ડિગ્રી વચ્ચે રહ્યું હતું પરંતુ તાપમાનમાં ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થયા બાદ આ રાજ્યોમાં ચારેબાજુ બરફની ચાદરની સાથે સાથે તેની અસર અન્યત્ર દેશમાં થઈ છે. આની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સૂર્ય દેવતાના દર્શન થયા ન હતા. જેના કારણે ઠંડો પવન પણ ફુંકાયો હતો. હાલમાં નીચલી સપાટી પર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. તંત્રનું કહેવું છે કે આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ ઠંડીનો ચમકારો ફરી એકવાર શિવરાત્રીની આસપાસ અનુભવાય તેમ માનવામાં આવે છે. આજે પાટનગર ગાંધીનગરમાં પારો ૧૪ ડિગ્રી અને અમદાવાદમાં પણ ૧૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સિઝનલ ફ્લુ એટલે કે સ્વાઈન ફ્લુનો આતંક મચેલો છે ત્યારે તાપમાનમાં પણ જોરદાર ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યમાં અન્ય મોટા વિસ્તારોમાં સિઝનલ રોગને પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં આ સિઝનમાં અનેક બીમારીઓ સપાટી પર આવી રહી છે. ખાસ કરીને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ આતંક મચાવ્યો છે. નિષ્ણાત તબીબો અને આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ સિઝનમાં બહારની ચીજોને જાળવા અને ગરમ ચીજોનો ઉપયોગ કરવાની જરૂર છે.