પુલવામામાં ત્રાસવાદી હુમલો થયા બાદ પાકિસ્તાનની સામે ભડકી ઉઠેલા આક્રોશ વચ્ચે આજે દેશના તમામ એરપોર્ટને હાઈ એલર્ટ ઉપર મુકી દેવામાં આવ્યા હતા. વિમાન હાઈજેક કરવાની ધમકી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં એક એરલાઈનના ઓપરેશન સેન્ટરને ફોન ઉપર ધમકી આપવામાં આવી હતી કે ભારતીય કેરિયરની એક ફ્લાઈટનું અપહરણ કરવામાં આવશે. ખાસ બાબત એ છે કે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે વિમાનને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે. ત્યારબાદ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા મજબૂત કરવામાં આવી હતી. આ વિમાનમાં બેસતા પહેલા તમામ યાત્રીઓની ઉંડી ચકાસણી કરવામાં આવશે. કાર પાર્કિંગમાં જતી ગાડીઓની પણ ઉંડી ચકાસણી કરવામાં આવશે. આજે ધમકીભર્યો ફોન આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયાના એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને ફોન આવ્યો હતો. ફોનમાં કહેવામાં આવ્યું હતું કે એક ભારતીય એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવામાં આવશે. પુલવામા હુમલા બાદથી એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત રાખવામાં આવી છે. છતાં આવી ધમકી મળ્યા બાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા તમામ એરપોર્ટ અને એરલાઈન્સ ઓપરેટરો માટે ચોક્કસ દિશા નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ તમામ એરપોર્ટ અને એરલાઈનને દિશાનિર્દેશ જારી કરતા કહ્યું છે કે ટર્મિનલ અને ઓપરેશનમાં જનાર તમામ લોકોની ચકાસણી કરવામાં આવે. એરપોર્ટ પરની ગાડીઓની ઉંડી તપાસ કરવામાં આવે. આની સાથે સાથે યાત્રીઓ, સ્ટાફના લોકો, ચીજવસ્તુઓ, કેટરીંગની પણ ચકાસણી કરવામાં આવે.
એરપોર્ટના પ્રવેશદ્વાર ઉપર અચાનક કરવામાં આવતી ચકાસણીને વધારવામાં આવી રહી છે. એરપોર્ટ સંકુલ ખાતે સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. જેમાં ક્વિક રિએકશન ટીમોની તૈનાતીનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કમી રાખવામાં આવી રહી નથી. સીઆઈએસએફએ પુલવામા હુમલા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પુલવામામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે આત્મઘાતી હુમલો કરાયો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. ત્યારબાદથી દેશભરમાં જોરદાર આક્રોશ જોવા મળે છે.