શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા એક ગરીબ યુવાને વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે.
ભાવનગર શહેર-જિલ્લામાં વ્યાજવટાવ અને ગેરકાયદે નાણાનો ધીરધાર કરી ગરીબોનું શોષણ કરતી બાબતો નવી વાત નથી. વ્યાજચક્રના વિશ જેવા અજગરી ભરડામાં અનેક લોકોએ જીંદગીથી હાથ ધોયા છે અને સેંકડો પરિવારોના માળા પીંખાયા છે. આમ છતાં પોલીસ તંત્રની રહેમદ્રષ્ટિ તળે શરાફીઓ દિનજનોને યાતનાઓ આપી વૈભવી જીંદગી જીવે છે. આવા જ એક વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા યુવાને શાહુકારોના ત્રાસથી વ્યથિત બની જીવતરનો અંત આણ્યો છે.
શહેરના ભીલવાડા સર્કલ પાસે આવેલ બિસ્મીલ્લા ફ્લેટમાં ભાડે રહેતા ઘાંચી રઝાકભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. રઝાકભાઈ સ્કુલમાં બાળકોને તેડવા-મુકવાનું કામ કરે છે. જ્યારે તેનો મોટો પુત્ર ઈમરાન રૂા.ર૯ રીક્ષા ચલાવવા ઉપરાંત રીક્ષા લે-વેચનો વ્યવસાય કરે છે. આ યુવાને ૬ માસ પૂર્વે વિઠ્ઠલવાડીમાં રહેતા અને નાણા ધીરધારનો ધંધો કરતા ધર્મેન્દ્રસિંહ તથા સુર્યદેવસિંહ નામના ક્ષત્રિય શખ્સો પાસેથી ઉંચા વ્યાજદરે રૂા.ર.ર૦ લાખ જેવી રકમ લઈ પોતાના વ્યવસાયમાં રોકી હતી.
સમય પસાર થતા ઈમરાન મુળ રકમનું સમયસર વ્યાજ ન ચુકવી શકતા નાણા ધીરનાર શખ્સોએ ધાકધમકી આપી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું અને યુવાન પાસેથી બળજબરીપૂર્વક ૮ જેટલી રીક્ષા કબ્જે લીધી હતી અને તાજેતરમાં મૃતક યુવાનના પિતા કે જેણે નવી રીક્ષાની ખરીદી કરી હતી તથા સ્કુલની વર્ધી ભરતા હતા એ રીક્ષા પણ આંચકી લીધી હતી. પરિણામે પરિવાર રોજીરોટીથી વંચીત થયો હતો. આજના બનાવના બે દિવસ પૂર્વે વ્યાજખોરોએ ઈમરાનનું અપહરણ કરી અજ્ઞાત જગ્યાએ લઈ જઈ બેફામ માર માર્યો હતો અને ધમકી આપી હતી કે વ્યાજ સહિત તત્કાલ પૈસા પરત નહીં કરે તો જીવતો નહીં રહેવા દઈએ. બેફામ માર મારવાના કારણે યુવાન ચાલી પણ શક્તો ન હોય આજરોજ બપોરના સમયે ઈમરાનને લાગી આવતા આવેશમાં આવી તેના ઘરે બાથરૂમમાં ગળાફાંસો ખાઈ લેતા પરિવારે ગંભીર હાલતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈને હોસ્પિટલ ખાતે ઘાંચી સમાજના લોકો મોટીસંખ્યામાં એકઠા થયા હતા અને આરોપીને ઝડપી લેવા ઉગ્ર માંગ કરી હતી. જેમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આ અંગે મૃતકના નાનાભાઈ આદિલ રઝાકભાઈ રાઠોડે વિઠ્ઠલવાડીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ તથા સુર્યદેવસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.