વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન આ દિવસોમાં શાનદાર ફોર્મમાં છે. ૨૩ માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા તે પોતાની ધમાકેદાર ઈનિંગથી ચર્ચામાં છે. ઝારખંડ તરફથી રમનાર ૨૦ વર્ષના આ ક્રિકેટરે ટી૨૦માં સતત બીજા સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે. આઈપીએલ ૨૦૧૯ માટે ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સે ૬.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
રવિવારે કેપ્ટન ઈશાન કિશનના મુલાપાડુમાં (કૃષ્ણા, આંધ્ર પ્રદેશ)માં મણિપુર વિરુદ્ધ સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટૂર્નામેન્ટમાં ૬૨ બોલમાં ૧૧૩ રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ૫ સિક્સ અને ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સદીની મદદથી ઝારખંડે નિર્ધારિત ૨૦ ઓવરોમાં ૨૧૯/૧ રન બનાવ્યા હતા. ૨૨૦ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મણિપુરની ટી ૯૮/૯ રન બનાવી શકી અને ઝારખંડે આ ગ્રુપ-એનો મુકાબલો ૧૨૧ રનથી જીતી લીધો હતો.
ટી૨૦માં ઈશાન કિશનની આ સતત બીજી સદી છે.
બે દિવસ પહેલા તેણે જમ્મૂ-કાશ્મીર વિરુદ્ધ મુલાપાડુમાં જ ૫૫ બોલમાં અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. આ સાથે તે કોઈપણ ટીમના કીપર કેપ્ટન તરીકે ટી૨૦ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ઈશાન કિશન ટી૨૦માં સતત બે સદી ફટકારનાર બીજો બેટ્સમેન છે. આ પહેલા દિલ્હીના ઉન્મુક્ત ચંદે ૨૦૧૩માં બે સતત સદી ફટકારી હતી.
ઉન્મુક્તે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં ૨૬ માર્ચ ૨૦૧૩માં કેરલ વિરુદ્ધ ૧૦૫ અને ૨૭ માર્ચે ગુજરાત વિરુદ્ધ ૧૨૫ રન બનાવ્યા હતા. ટી૨૦ ઈતિહાસની વાત કરીએ તો ઈશાન કિશન ટી૨૦માં સતત બે સદી ફટકારનાર વિશ્વનો આઠમો બેટ્સમેન છે.