નવી દિલ્હીઃ સૌરભ ચૌધરીએ રવિવારે નવી દિલ્હીમાં ચાલી રહેલા આઈએસએસએફ શૂટિંગ વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ વિશ્વકપમાં ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. ૧૬ વર્ષના સૌરભે પુરુષોની ૧૦ મીટર એર પિસ્તોલમાં સોના પર નિશાન લગાવ્યું હતું. સૌરભે આ પહેલા યૂથ ઓલમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌરભે વર્લ્ડ રેકોર્ડની સાથે ૨૪૫ પોઈન્ટ મેળવ્યા હતા. તેણે સર્બિયાના દામિર માઇકને હરાવ્યો હતો.
આ સૌરભનો પ્રથમ સીનિયર વિશ્વકપ ફાઇનલ હતો. તેણે આ સાથે ૨૦૨૦ ટોક્યો ઓલમ્પિકની ટિકિટ પણ હાસિલ કરી લીધી હતી. સૌરભનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું કે, તેણે છેલ્લો શોટ લગાવ્યા પહેલા ગોલ્ડ મેડલ કબજે કરી લીધો હતો. સૌરભે છેલ્લા પ્રયાસમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
જૂનિયર શ્રેણીમાં પણ સૌરભના નામે વિશ્વ રેકોર્ડ છે. રવિવારે રમાયેલી મેચમાં તેણે શરૂઆતથી લીડ બનાવી રાખી હતી. શરૂઆતી પાંચ નિશાન બાદ તે સૌથી આગળ ચાલી રહેલા સર્બિયાના દામિર માઇકની સાથે સંયુક્ત રૂપથી પ્રથમ સ્થાન પર હતો. ૧૦ શોટ્સ બાદ બાદ સૌરભ ૧૦૨.૨ પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર પહોંચી ગયો હતો. તો માઇક ૯૯.૬ પોઈન્ટની સાથે બીજા સ્થાને પહોંચ્યો હતો. ચીનની વી પૈંગે આ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.