શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલા રૂદ્ર આર્કેડ કોમ્પલેક્ષમાં આજે બપોરે બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટર ખાતે લાગેલી ભીષણ આગને પગલે સ્થાનિક લોકો અને દુકાનદારોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આગની જવાળાઓ ગ્રાઉન્ડ પ્લસ પહેલા અને બીજા માળે પાંચથી સાત દુકાનો સુધી પહોંચતા આ દુકાનોમાં પણ ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં મેમનગર ફાયર સ્ટેશન ખાતેથી ફાયરબ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમયસર દુકાનોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી ગણતરીના કલાકોમાં આગને બુઝાવી દીધી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આગની આ સમગ્ર ઘટના અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલા રૂદ્ર આર્કેડ કોમ્પલેક્ષમાં આજે બપોરે બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટર ખાતે શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણસર આગ લાગી હતી, જેમાં આખુ એટીએમ સેન્ટર બળીને ખાખ થઇ ગયું હતું, ખાસ તો, એટીએમ મશીન પણ બળીને ખાખ થઇ જતાં અંદર રાખેલી નોટોની કરન્સી પણ બળી ગઇ હોવાની પૂરી શકયતા છે. જેના કારણે બેંકને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. વળી, આગની જવાળાઓ નીચે ગ્રાઉન્ડ ફલોરથી લઇ પહેલા અને બીજા માળની પાંચથી સાત દુકાનોને સારી એવી ઝપટમાં લઇ લીધી હતી. જેના કારણે ઉપરના માળે એક ડેન્ટલ કલીનીક સહિત અન્ય દુકાનોમાં ફર્નિચર, ફ્રેમ, બિલ્ડીંગની ઇમારતને ગંભીર રીતે નુકસાન થયું હતું. આગના કારણે સ્થાનિક દુકાનદારો અને લોકોમાં નાસભાગ મચી ગઇ હતી અને ગભરાહટની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, ફાયરબ્રિગેડના જવાનોએ તમામ લોકોને સહીસલામત ખસેડી લેતાં કોઇ ઇજા કે જાનહાનિ નોંધાઇ ન હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ બુઝાવી દીધી હતી અને સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી.