સામાન્ય બાબતમાં લોકો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરે લેતા હોય છે. તો પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓ પણ ક્ષણીક આવેગમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી દેવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. તો આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટમાં એક યુવતીએ બ્રિજ ઉપરથી મોતનો કૂદકો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી. જોકે, આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલ ખસેડાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના મવડી ઓવરબ્રિજ પરથી આજે રવિવારે સવારના સમયે આશરે ૨૦ વર્ષીય યુવતીએ કૂદકો માર્યો હતો. આત્મહત્યા કરવાના ઇરાદે લગાવેલી છલાંગના કારણે નીચે પટકાતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
ઘટનાના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા અને ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.