વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરમાં કિસાન સન્માન નિધિ યોજનાને વિધિવતરીતે લોંચ કરી હતી અને ટેકનોલોજીના મારફતે એક લાખથી વધારે ખેડૂતોને ૨૦૦૦ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કર્યો હતો. મોદીએ એક ક્લિકમાં જ ખેડૂતોને ૨૦૨૧ કરોડ રૂપિયાની રકમ જારી કરી હતી. બચી ગયેલા બાકી ખેડૂતોના ખાતામાં પણ પ્રથમ હપ્તાની રકમ આગામી સપ્તાહમાં પહોંચી જવાનો વિશ્વાસ પણ આપ્યો હતો. આ મહત્વકાંક્ષી યોજનાથી ૧૨ કરોડથી વધારે ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની રકમ સીધીરીતે તેમના બેંક ખાતામાં જમા થશે. મોદીએ આ પ્રસંગે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માંગતા નથી. કોંગ્રેસની જેમ લોન માફી કરીને ખેડૂતોની સાથે અન્યાય કરવા માટે ઇચ્છુક નથી. ખેડૂતોને ખુશ કરવા માટે તેઓ પણ લોન માફી કરી શક્યા હોત પરંતુ લોન માફી કરીને ખેડૂતોની સમસ્યાઓનો નિકાસ આવશે નહીં. આજ કારણસર ખેડૂતોની સ્થિતિ હંમેશ માટે મજબૂત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. લોન માફીને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો ચૂંટણી આવતાની સાથે જ લોન માફીની રાહતો આપવાની વાત કરવા લાગી જાય છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની શરૂઆત થાય છે પરંતુ કોંગ્રેસની સામે હવે મોદી છે જે ભારે પડશે. તેમની પોલ ખુલી જશે. અમે આ યોજનાની જાહેરાત સંસદમાં મંચ ઉપર કરી ત્યારે લોકસભામાં કોંગ્રેસના અને અન્ય પક્ષોના નેતાઓના ચહેરા ઉતરી ગયા હતા. બજેટમાં પૈસાની જોગવાઈ પણ કરીને પાકાપાયે ખેડૂતોની હિતમાં નિર્ણયની જાહેરાત કરી હતી. ખેડૂતની લોન માફીની મોટી વાતો કરી રહેલા કોંગ્રેસની ટિકા ટિપ્પણી કરતા મોદીએ કહ્યું હતું કે, ૨૦૦૯ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ તરફથી ખેડૂતોની લોન માફીની વાત કરવામાં આવી હતી તે વખતે બેંકોની દ્રષ્ટિએ દેશમાં ખેડૂતોનું કુલ દેવું છ લાખ કરોડ રૂપિયા હતું. તેઓએ લોન માફીની જાહેરાત કરી ત્યારે આ રકમ માફ થવાની જરૂર હતી પરંતુ કોંગ્રેસ પાર્ટી ૨૦૦૯માં ફરીવાર સત્તા પર આવી ગઈ હતી અને રિમોટ કન્ટ્રોલથી સરકાર શરૂ થઇ હતી. ત્યારબાદ ત્યારબાદ છ લાખ કરોડ રૂપિયાની સામે માત્ર ૫૨૦૦૦ કરોડ રૂપિયાની લોન માફ થઇ હતી અને દેશને અંધારામાં રાખવામાં આવ્યા હતા. તે વખતે લાભાર્થીઓમાંથી ૩૫ લાખ લોકો એવા હતા જેમના ખેડૂતો સાથે કોઇ લેવા દેવા ન હતા. પોતાના લોકોને જ આ રકમ વહેંચી દેવામાં આવી હતી. અમે જે યોજના લાવ્યા છે તેમાં દર વર્ષે ૭૫૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે. કોંગ્રેસ પાર્ટીએ ૧૦ વર્ષમાં ૫૨૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. અમે લોન માફીની મોટી વાતો કર્યા વગર સાડા સાત લાખ કરોડ રૂપિયા આપી રહ્યા છે. ક્યાં ૫૨૦૦૦ કરોડ રૂપિયા અને ક્યાં સાડા સાત લાખ કરોડ રૂપિયા. આનાથી ખેડૂતોના હિતમાં લેવાયેલા પગલાની બાબત સમજી શકાય છે. અમે નવી યોજનાઓ લાવી રહ્યા છે. પીએમ સિંચાઈ યોજના પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
લોન માફી ન કરવાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, અમારા માટે પણ લોન માફી ખુબ સરળ બાબત હતી. ખેડૂતો સાથે ચેડા કરવામાં કોઇ મુશ્કેલ ન હતી પરંતુ મોદી આ પ્રકારના પાપ કરી શકે નહીં. આ સ્કીમ ઉપર પૈસાએટલા માટે લગાવી રહ્યા છે કે, સિંચાઈ યોજનાઓને પૂર્ણ કરી શકાય. ૪૦-૪૦ વર્ષોથી અટકેલી યોજનાઓ પર કામ શરૂ થયું છે. ૯૯ એવી યોજના હતી જેના પર ૭૦ ટકા કામ થયું છે.