ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો ઘરફોડ અને દુકાનના તાળા-શટર અને છાપરા તોડી ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. આવી એક વધુ ઘટના શહેરની ઉંડીવખારમાં આવેલી ચાર દુકાનોના છાપરા તોડી ચોરી થયાનું બહાર આવ્યું છે. જેમાં બે દુકાનોમાં પરચુરણની ચોરી થઈ છે. જ્યારે બે દુકાનોમાંથી તસ્કરોને કશુ હાથ લાગ્યું ન હતું. ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરની ઉંડી વખારમાં આવેલ શાહ દિલીપકુમાર કાંતિલાલ પૂનમ ટ્રેડીંગ અને સલોત મનસુખભાઈ મોહનલાલની જથ્થાબંધ કરીયાણાની દુકાનોમાં અને બાજુમાં આવેલી મેસર્સ ગોવિંદરામ લાલચંદ નામની પ્લાસ્ટીક-ઝબલાની દુકાનમાં ગત રાત્રિના તસ્કરો છાપરા તોડી અંદર પ્રવેશ્યા હતા. જેમાં બે દુકાનોમાંથી પાંચેક હજારનું પરચુરણ હાથ લાગ્યું હતું. જ્યારે અન્ય બે દુકાનોમાં તસ્કરો નિરાશ થયા હતા. બનાવની જાણ થતા ગંગાજળીયા પોલીસે સ્ટાફ દોડી જઈ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.